અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારના કમલનયન એપાર્ટમેન્ટ ખાતે પાંચ દિવસ પહેલા રાત્રિના સમયે થયેલ યુવતીની છેડતી સંદર્ભે FIR દાખલ કરાઇ છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, કમલનયન એપાર્ટમેન્ટ ખાતે પી.જી. હોસ્ટેલ ચાલે છે. આ હોસ્ટેલમાં સાફ-સફાઇ કરતી યુવતી હોસ્ટેલના ડ્રોઇંગ રૂમમાં સૂઇ ગઇ હતી ત્યારે રાત્રિના સમયે ડ્રોઇંગ રૂમનો દરવાજો ખુલ્લો હોવાના કારણે કોઇ અજાણી વ્યક્તિએ તેનો લાભ લઇને યુવતીની છેડતી કરી હતી. જોકે, પીડિતા ઉંઘમાં હોવાના કારણે તેને ખ્યાલ આવ્યો નહોતો પરંતુ, પી.જી હોસ્ટેલમાં રહેતી અન્ય યુવતીઓએ અજાણ્યા વ્યક્તિને ડ્રોઇંગ રૂમમાંથી બહાર નીકળતા જોઇ તેણીને જાણ કરતા તેને ફરીયાદ કરવા માટે કહ્યું હતું. પરંતુ, તે સમયે તેણે પી.જી. હોસ્ટેલના માલિકને આ અંગે પોલીસમાં ફરીયાદ કરવાની ના પાડી હતી. આથી, CCTV ફુટેજના આધારે ચેક કરીને પોલીસ દ્વારા સમજાવટથી તેણીની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી દેવાઇ છે.

