ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર, હવામાન વિભાગે વ્યક્ત કર્યો અણસાર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 વર્ષમાં પહેલીવાર નૈઋત્યનું ચોમાસું આટલી ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. અરબી સમદ્રમાં ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાના કારણે વરસાદી વાદળોની ગતિ પર અસર પડી છે. સામાન્ય રીતે 19 જૂન સુધીમાં દેશના બે તૃતીયાંશ હિસ્સામાં ચોમાસનો પ્રારંભ થઈ જતો હોય છે પરંતુ હજુ દેશના 10-15 ટકા વિસ્તારમાં જ ચોમાસાનો પ્રારંભ થયો છે. અત્યારે નૈઋત્યનું ચોમાસું ફક્ત કેરળ, દક્ષિણ કર્ણાટક અને તામિલનાડુના થોડા વિસ્તારોમાં જ સક્રિય થયું છે. પૂર્વોત્તર ભારતમાં થોડા અંશે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય થવા માટે ઓછામાં ઓછો એક સપ્તાહનો સમય લાગી શકે છે.

ભારતીય હવામાન વિભાગના અધિકારી ડી શિવાનંદ પઈએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું કોંકણના દરિયાકિનારા સુધી પહોંચી જશે. 25 જૂન સુધીમાં મહારાષ્ટ્રનો મહત્તમ વિસ્તાર ચોમાસાના દાયરામાં આવી જશે. જૂનના અંત સુધીમાં મધ્ય ભારતમાં ચોમાસું સક્રિય થશે. જોકે ચોમાસું તેના નિયત સમયથી અત્યારે 15 દિવસ મોડું છે.

12 વર્ષમાં પહેલીવાર ચોમાસું આટલી ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. 2013માં સૌથી ઝડપથી 16 જૂન સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય બની ગયું હતું.