ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવાનાં અને VIP સુરક્ષામાં વ્યાપક કાપ મુકાયા બાદ કેન્દ્ર સરકારે હવે NSG કમાન્ડોને લઇને એક મહત્વનો નિર્ણય લીધો છે, સત્તાવાર સુત્રોનાં જણાવ્યા પ્રમાણે સરકારે હવે NSGને VIP સુરક્ષાથી સંપુંર્ણ મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે.
આવું બે દાયકાથી પણ વધુ સમય બાદ થશે જ્યારે આતંકવાદ વિરોધી દળનાં બ્લેક કેટ કમાન્ડોને વીઆઇપી સુરક્ષાની જવાબદારીથી બહાર કરવામાં આવશે, આ કાર્ય ખરેખર તો એ માટે નહોતું કરવામાં આવ્યું.
વર્ષ 1984માં એનએસજીની રચના થઇ હતી ત્યારે તેના મુળ કાર્યોમાં વીઆઇપી સુરક્ષાની જવાબદારી ન હતી, આ દળ નજીકનાં સ્થળે મોબાઇલ સુરક્ષા ક્વચ પ્રદાન કરે છે.તેનાં માટે એસોલ્ટ હથિયારોથી સજ્જ એનએસજી ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા ધરાવતા 13 ઉચ્ચ જોખમવાળા વિઆઇપીને સુરક્ષા પ્રદાન કરે છે.
આ સુરક્ષા વર્તુળમાં અત્યાધુનિક સજ્જ લગભગ બે ડઝન કમાન્ડો દરેક સમયે વીઆઇપીઓની સાથે રહે છે,એનએસજીની સુરક્ષા ડ્યુટીને થોડા દિવસોમાં જ અર્ધ સૈનિક દળોને સોંપવામાં આવશે.
પીટીઆઇનાં જણાવ્યા પ્રમાણે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને સુરક્ષા આપનારા એનએસજી દળને જલદીથી અર્ધ સૈનિક દળમાં સમાવી લેવામાં આવશે.
NSGનાં અન્ય સંરક્ષકોમાં બીએસપી સુપ્રીમો અને પુર્વ મુખ્ય પ્રધાન માયાવતી, સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ, ટીડીપીનાં પ્રમુખ ચંદ્રબાબુ નાયડું, અકાળી દળનાં પ્રમુખ પ્રકાશસિંહ બાદલ,નેશનલ કોન્ફરન્સનાં પ્રમુખ ફારૂખ અબ્દુલ્લા, આસામનાં મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલ,બિજેપી નેતા અને પુર્વ નાયબ વડાપ્રધાન એલ કે અડવાણીનો સમાવેશ થાય છે.

