કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડીઝ પ્રવાસ પર ટેસ્ટ, વન ડે અને ટી-20 સીરીઝ માટે સોમવારનાં મુંબઈથી રવાના થશે. રવાના થતા પહેલા કેપ્ટન વિરાટ કોહલી મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરશે. બીસીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે ભારતીય ટીમ સોમવારનાં રવાના થશે. વિરાટ કોહલી આ પહેલા સાંજે 6 વાગ્યે પત્રકારો સાથે વાતચીત કરશે. આ દરમિયાન તે રોહિત શર્માનાં સાથેનાં કથિત વિવાદ પર પણ જવાબ આપી શકે છે. ભારતીય ટીમનાં બે મોટા ખેલાડીઓ વચ્ચે બધું બરાબર ના હોવાની અટકળોનું બજાર ગરમ છે.
વિદેશ પ્રવાસે જતા પહેલા કેપ્ટનની પ્રેસ કૉન્ફરન્સ એક નિયમિત પ્રક્રિયા
આ પહેલા સમાચાર આવ્યા હતા કે કોહલી આ વખતે પ્રેસ કૉન્ફરન્સ નહીં કરે અને સીધો વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે રવાના થશે. આ રોહિત શર્મા સાથેનાં કથિત વિવાદની ખબરોનાં કારણે દાવો કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે કોઈપણ પ્રવાસે જતા પહેલા ભારતીય ટીમનાં કૉચ અને કેપ્ટન પ્રેસ કૉન્ફરન્સમાં પત્રકારોનાં પ્રશ્નોનો જવાબ આપતા હોય છે. કોઈપણ વિદેશ પ્રવાસે જતા પહેલા કેપ્ટનની પ્રેસ કૉન્ફરન્સ એક નિયમિત પ્રક્રિયા છે.
સીઓએનાં પ્રમુખ વિનોદ રાયે આ સમાચારને ફક્ત એક અફવા ગણાવી
રોહિત અને કોહલીનાં વિવાદ પર જો કે બંનેમાંથી કોઈપણ ખેલાડીએ જવાબ આપ્યો નથી, પરંતુ અટકળો ઘણી તેજ છે. બે દિવસ પહેલા પણ સમાચાર આવ્યા હતા કે રોહિત શર્માએ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને ઇન્સ્ટાગ્રામ પર અનફૉલો કરી દીધી છે. આ ઉપરાંત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બીસીસીઆઈએ બંને બધું જ ઠીક છે તેવો મેસેજ સોશિયલ મીડિયા પર કરવા કહ્યું હતુ, પરંતુ બંનેએ આવું કર્યું નહીં. તો સીઓએનાં પ્રમુખ વિનોદ રાયે આ સમાચારને ફક્ત એક અફવા ગણાવી હતી.

