પુલવામા હુમલા માટે જવાબદાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મહંમદના આકા આતંકવાદી સરદાર મસૂદ અઝહરનો મુદ્દો પાછો ગરમ થયો છે. અમેરિકાએ મસૂદ અઝહરને વૈશ્ર્વિક આતંકવાદી જાહેર કરાવવા માટે યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં ઠરાવ મૂક્યો તેમાં ચીન બગડ્યું છે. ચીને ગયા મહિને વીટો વાપરીને આ હિલચાલની હવા કાઢી નાંખેલી તેથી અમેરિકા એ વખતે જ ભડકેલું. ચીનને પાઠ ભણાવવા ફ્રાન્સ ને બ્રિટન સાથે મળીને અમેરિકા ફરી મૂસૂદ પર પ્રતિબંધ લાવવાનો ઠરાવ લાવ્યું છે તેના કારણે હવે ચીન પણ ભડક્યું છે. ચીને અમેરિકા પર યુનાઈટેડ નેશન્સ જેવી ખમતીધર સંસ્થાની કિંમત કોડીની કરી નાંખવાનો આક્ષેપ મૂક્યો છે ને ધમકી પણ આપી છે કે, અમેરિકા બળજબરીથી આ ઠરાવ લાવશે તો જોવા જેવી થશે. અમેરિકા આ પ્રકારની ધમકીઓને ગાંઠવામાં માનતું નથી એ જોતાં આ મુદ્દે પાછો યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં આવશે એ નક્કી થઈ ગયું છે.
અમેરિકાનું વલણ આપણા ફાયદામાં છે ને સરાહનીય પણ છે. અમેરિકા આમ પણ તડ ને ફડ ભાષામાં માને છે ને એ જ ભાષા અત્યારે એ વાપરી રહ્યું છે પણ આપણે એ વિચારવાની જરૂર છે કે, અમેરિકાને અચાનક જ આપણા પર આટલું બધું હેત કેમ ઉભરાઈ ગયું ? અમેરિકા પાકું વેપારી છે ને લાભ વિના ક્યાંય લોટે એમ નથી. મસૂદના મામલે એ ચીનની ઐસીતૈસી કરીને આપણા પડખે ઊભું રહેવા મેદાનમાં આવી ગયું તે પાછળનું કારણ પણ તેનો લાભ જ છે. વાસ્તવમાં અમેરિકા આપણને કરોડો રૂપિયાની એર ડિફેન્સ સિસ્ટમ ધાબડી દેવાની ફિરાકમાં છે ને એ વાસ્તે થઈને આ હેત વરસાવી રહ્યું છે.
આપણે રશિયા સાથે ગયા વરસના ઓક્ટોબરમાં એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના કરાર કરેલા. આ કરાર અંતર્ગત ભારત રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના 5 સેટ ખરીદશે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઓક્ટોબરમાં ભારતમાં પધરામણી કરી એ વખતે આ કરાર પર સહી કરેલી. એ વખતે રશિયા સાથે કોઈ પણ સોદો નહીં કરવા માટે અમેરિકાનું દબાણ હતું. રશિયા સાથે સોદો કર્યો તો માઠાં પરિણામ ભોગવવાં પડશે એવી ધમકી પણ અમેરિકાએ આપેલી.
અમેરિકા અને રશિયાને હમણાં બારમો ચંદ્રમા છે એટલે અમેરિકાએ ઘણા બધા દેશોને રશિયા પાસેથી કોઈપણ પ્રકારની મહત્ત્વની ખરીદી-કરાર ન કરવાની ચેતવણી આપેલી છે. અમેરિકાએ ચોખ્ખા શબ્દોમાં કહેલું કે, અમેરિકાનો કોઈ સહયોગી દેશ રશિયા સાથે કરાર કરશે તો અમેરિકા તેમની સાથેના સંબંધો પર પ્રતિબંધ લગાવી શકે છે.
અમેરિકામાં કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્ઝરિઝ થ્રુ સેન્ક્શન્સ એક્ટ (ઈઅઅઝજઅ) નામનો કાયદો છે. અમેરિકી પોતાને માફક ના આવે તેવા દેશો પર આ કાયદા હેઠળ પ્રતિબંધો ઠોકે છે. અમેરિકાના આ કાયદા અનુસાર રશિયા સાથે મોટો સંરક્ષણ સંબંધી સોદો કરતા દેશ પર પ્રતિબંધ લગાવી શકાય છે. અમેરિકાએ ભારતને આ કાયદાની બીક બતાવી પણ મોદી સરકાર ના ઝૂકી. ભારતનાં અમેરિકા સાથે મોટા પાયે આર્થિક હિતો સંકળાયેલાં છે એ સંજોગોમાં મોદી સરકાર ડરી જાય એવા બધા રસ્તા અમેરિકાએ અપનાવેલા પણ મોદીએ મચક ના જ આપી. નરેન્દ્ર મોદી સરકારે મક્કમ વલણ અપનાવીને અમેરિકાની ધમકીને ઘોળીને પી જઈને સૈદ્ધાંતિક રીતે આ સોદામાં આગળ વધવાનો નિર્ણય લીધો. મોદી સરકારે એ રીતે અમેરિકાને અહેસાસ કરાવ્યો હતો કે, ભારત કોઈનું ખંડિયું નથી પણ સ્વતંત્ર રાષ્ટ્ર છે ને કોઈ દબાણ લાવીને તેના માથે કોઈ નિર્ણય થોપી ના શકે.
અમેરિકાના આ દાવ સામે મોદી સરકાર શું કરે છે એ જોવાનું રહે છે પણ ભારતનું સાચું હિત રશિયા સાથેના સોદામાં આગળ વધવામાં છે. આ વાત મોદી સરકાર પહેલા જ સમજી ગયેલી ને એટલે જ તેણે અમેરિકાને નારાજ કરીને પણ કેમ એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના સોદામાં આગળ વધવાનું નક્કી કરેલું. મોદી સરકારનો એ નિર્ણય સો ટકા સાચો છે ને કેમ સાચો છે એ સમજવા જેવું છે.
આ ડિફેન્સ સિસ્ટમનું આખું નામ ’એસ-400 ટ્રાયમ્ફ લોન્ગ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ’ છે. આવું લાંબુલચક નામ ધરાવતી આ ડિફેન્સ સિસ્ટમ ભારતને પાકિસ્તાન જ નહીં પણ ચીન જેવા તાકતવર દેશ સામે પણ રક્ષણ આપે છે. બલ્કે અમેરિકા જેવા દેશ આક્રમણ કરે તો પણ ભારતના સુરક્ષા કવચ તરીકે કામ કરશે. સરહદ પર આ સિસ્ટમ ગોઠવ્યા પછી દુશ્મન દેશ પર તેની ધાક બેસી જાય કેમ કે અમેરિકા સુધ્ધાં તેનાથી ફફડે છે.
એસ 400 એક મિસાઈલ નથી પણ મિસાઈલ સિસ્ટમ છે. દુનિયાની સર્વોત્તમ એર ડિફેન્સ સિસ્ટમ ગણાતી આ સિસ્ટમ ભારતને અજેય બનાવે છે એમ કહીએ તો ચાલે. તેમાં એકથી વધુ મિસાઈલ એક સાથે સ્ટોર થયેલી હોય છે. સરહદી વિસ્તારમાં તેને ગોઠવવામાં આવે પછી દુશ્મનનું ફાઈટર વિમાન કે મિસાઈલ આવતું દેખાય ત્યારે એસ-400ના સિસ્ટમમાંથી એક પછી એક મિસાઈલ છૂટે ને ફાઈટર કે મિસાઈલને હવામાં જ તોડી પાડે. એસ 400 સિસ્ટમમાં સંખ્યાબંધ મિસાઈલ હોવાથી એક સમયે કુલ મળીને 36 ટાર્ગેટને તોડી પાડી શકે એમ છે. યુદ્ધ વખતે એક તરફથી આવતાં વિમાનને અટકાવવામાં આવે ત્યાં વળી બીજી દિશાએથી હુમલો થવાની શક્યતા હોય. એસ-400 આ સમસ્યાનો ઉકેલ છે કેમ કે આ સિસ્ટમ એકલે હાથે 36 જગ્યાએ લડી શકે એમ છે. એસ 400 સિસ્ટમ હેઠળ એક સાથે 72 મિસાઈલને એક સાથે રવાના કરી શકાય છે એ વળી વધારાનો ફાયદો છે. યુદ્ધ વખતે એક સાથે અનેક સ્થળોએ પહોંચી વળવાની જરૂર હોય ત્યારે આ મિસાઈલ સિસ્ટમ કામ લાગે.