આમ આદમી પાર્ટીના અસંતુષ્ટ ધારાસભ્ય અલકા લામ્બા આજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળતાં તેઓ આગામી વર્ષના પ્રારંભે યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં જોડાય એવી અટકળોને વેગ મળ્યો છે. લામ્બાએ જો કે પોતે દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ સહિત અનેક મુદ્દાઓની ચર્ચા માટે શ્રીમતી ગાંધીને મલ્યા હોવાનું જણાવ્યું હતુ. અગાઉ, કોંગ્રેસમાંથી જ રાજકીય કારકીર્દી શરૂ કરનારા અલકા લામ્બાએ વિવિધ સ્તરે રહીને પક્ષને 20 વર્ષ સેવાકીય લાભ આપ્યો હતો. એ પછી તેઓ આપમાં જોડાયા હતા. દિલ્હીના ચાંદનીચોક વિસ્તારના ધારાસભ્ય લામ્બાએ ગયા મહિને કરેલી જાહેરાતમાં પોતે આપ છોડી દઈને અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવનારા હોવાનું જણાવ્યું હતુ. અલકા લામ્બાને છેલ્લા કેટલાક સમયથી આપ સાથે ખટકી છે. એમણે લોકસભા ચૂંટણીમાં પક્ષ માટે પ્રચાર કરવાનો ઈન્કાર કર્યો હતો. એમણે ચૂંટણીમાં પક્ષની હાર માટે પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પરાજયની જવાબદારી સ્વીકારવા જણાવ્યું હતુ. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને એનાયત થયેલો ભારત રત્ન એવોર્ડ પાછો ખેંચવા માટે પક્ષે કરેલા ઠરાવ સાથે લામ્બાએ અસંમતિ દર્શાવી હતી. એમણે પોતાના નિર્ણય બદલ કોઈપણ સજા ભોગવવાની તૈયારી દર્શાવી હતી.

