પૂર્વ સાંસદોને ફાળવવામાં આવેલા આવાસ ખાલી નહી થવા પર હવે સરકાર તેને ખાલી કરાવા પર વિચારી રહી છે. સુત્રો પ્રમાણે જે પૂર્વ સાંસદોએ સરકારી આવાસ ખાલી નથી કરાવ્યા, તેના સરકારી આવાસના તાળા તોડવામાં આવશે અને આવાસ ખાલી કરાવાશે.
જણાવવામાં આવી રહ્યું છે કે, હજુ સુધી પાંચ-છ પૂર્વ સાંસદોએ પોતાના સરકારી મકાન ખાલી કર્યાં નથી અને તાળું મારીને ચાલ્યા ગયા છે. સરકારે નિર્ણય કર્યો છે કે પંચનામું કરીને તાળાં તોડી દેવામાં આવશે. પૂર્વ સાંસદોને ઘણીવાર ઘર ખાલી કરાવવાની ચેતવણી પણ આપવામાં આવી ચૂકી છે. એટલું જ નહી વિજળી અને પાણીના કનેક્શન કાપી નાખવાની પણ ધમકી આપી હતી પરંતુ પૂર્વ સાંસદોએ સરકારી આવાસ ખાલી કર્યાં નહી.
સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, હજુ સુધી સત્તરમી લોકસભાના 76 નવા સાંસદોને સરકારી આવાસ નથી મળી શક્યાં. હાલ તેઓ વેસ્ટર્ન કોર્ટ, પ્રદેશોના ભવનોમાં રહે છે. આ પહેલાં આવાસ સમિતિએ તમામ પૂર્વ સાંસદોને સરકારી આવાસ ખાલી કરવા કહ્યું હતું, જે બાદ કેટલાંક પૂર્વ સાંસદોએ પોતાના સરકારી આવાસ ખાલી કરી દીધાં હતાં.

