મેક્સિકો સરહદે હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ્સની હેરાફેરી અને ઘૂસણખોરી રોકવા ૫.૭ અબજ ડૉલરના ખર્ચે દીવાલ બાંધવી જરૃરી હોવાનો વ્હાઈટ હાઉસનો દાવો
રિપબ્લિકન્સે દોષનો ટોપલો ડેમોક્રેટ્સ પર ઢોળતા કહ્યું ‘સરહદના કારણે સર્જાયેલા પ્રશ્નો ઉકેલવા ભંડોળ જરૃરી’
(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા.12 જાન્યુઆરી, 2019 શનિવાર
અમેરિકન સરકારે જાહેર કરેલું શટડાઉન (હડતાળ) ૨૨મા દિવસમાં પ્રવેશ્યું હતું. અમેરિકન કોંગ્રેસમાં ફેડરલ સ્પેન્ડિંગ બિલ મુદ્દે સહમતિ સાધી ન શકાતા ક્રિસમસ હોલિડેથી અમેરિકાના લગભગ આઠ લાખ કર્મચારીએ લાંબો સમય સુધી વિના પગારે કામ કરી રહ્યા છે અથવા ફરજિયાત રજા પર ઉતારી દેવાયા છે. આ સ્થિતિ સતત ૨૨મા દિવસમાં પ્રવેશતા જ શુક્રવારે મધરાત્રે તે અમેરિકાના ઈતિહાસનું સૌથી લાંબુ શટડાઉન બની ગયું છે. આ પહેલાં ૧૯૯૫-૯૬માં બિલ ક્લિન્ટનના કાર્યકાળમાં સતત ૨૧ દિવસ લાંબુ શટડાઉન રહ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન મેક્સિકો સાથેની સરહદે દીવાલ બાંધવા બજેટમાં પાંચ અબજ ડૉલરના જંગી ભંડોળની કોંગ્રેસમાં દરખાસ્ત રજૂ કરી હતી. એ પ્રસ્તાવનો વિપક્ષ ડેમોક્રેટ્સે જોરદાર વિરોધ કરતા ટ્રમ્પે ફેડરલ સ્પેન્ડિંગ બિલ પર સહી કરી ન હતી. આ બિલ પર સહી નહીં કરવાના કારણે અમેરિકાની અનેક મહત્ત્વની સરકારી કચેરીઓને દર વર્ષે મળતું ભંડોળ પણ બંધ થઈ ગયું છે. જોકે,આ પ્રકારની સ્થિતિમાં પણ સરકારે લોકોને પાયાની સેવા પૂરી પાડવી પડે છે. આ દરમિયાન રિપબ્લિકન નેતાઓએ અમેરિકન શટડાઉનને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે, ગેરકાયદે ઘૂસણખોરી અને ડ્રગ્સ ટ્રાફિકિંગ રોકવા માટે દીવાલ બાંધવી અત્યંત જરૃરી છે.
આ બિલ પસાર કરાવતી વખતે વ્હાઈટ હાઉસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. એ પછી પણ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને રિપબ્લિકન્સ સાથે બેઠકોનો દોર ચાલુ હોવાનો દાવો કરીને કહ્યું હતું કે, અમે મેક્સિકો દીવાલ બાંધવી કેમ જરૃરી છે એ વિપક્ષને સમજાવી રહ્યા છે. જોકે, આ બેઠકો પણ નિષ્ફળ રહી હતી અને બાદમાં ટ્રમ્પે ચીમકી આપતા કહ્યું હતું કે, હું રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને પણ મેક્સિકો દીવાલ બાંધીશ. અમેરિકા-મેક્સિકોની આશરે ૩,૨૧૮ કિલોમીટર લાંબી સરહદે આપણે પ્લેન અને ડ્રોન ટેક્નોલોજીથી જોઈ શકીએ છીએ કે, ત્યાંથી વાહનો ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશી રહ્યા છે. અમેરિકામાં પ્રવેશવા માટે બંદર હોવા છતાં ખુલ્લી સરહદનો ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે,ત્યાંથી હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદે ઇમિગ્રેશન થઈ શકતું નથી.
નોંધનીય છે કે, અમેરિકન બિઝનેસ અને કોર્પોરેટ જગત શટડાઉનનો આક્રમક વિરોધ કરી રહ્યા છે કારણ કે, તેના કારણે અમેરિકન શેરબજાર પર પણ નકારાત્મક અસર પડી રહી છે. અમેરિકન ફેડરેશન ઓફ ગવર્મેન્ટ એમ્પ્લોઇઝના પ્રમુખ ડેવિડ કોક્સે કહ્યું હતું કે, સરકારી એજન્સીઓ ચલાવવાનું ભંડોળ અટકી જાય એ શરમજનક અને અસ્વીકાર્ય છે. ટેક્સ ભરતા અમેરિકનોના પૈસાનો દુરુપયોગ રોકવા આ પ્રકારના નિર્ણયો ના લેવા જોઈએ.