લોકસભા ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપે પોતાની નીતિ કાયમ રાખવા સાથે સાથે નવા સહયોગી પક્ષોને સાથે લેવા પ્રયાસો હાથ ધર્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કર્યાના બીજા દિવસે ભાજપના અધ્યક્ષ અમિત શાહે તામિલનાડુમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (એઆઈએડીએમકે) સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.ભાજપ આ ગઠબંધનમાં પીએમકે અને ડીએમડીકેને પણ સાથે રાખશે. અમિત શાહ ચેન્નઈ પહોંચે એ પહેલા જ પીએમકેએ પોતાની માગણી વધારી હતી એવામાં એઆઈડીએમકેએ પોતાના કવોટામાંથી ચાર વધુ બેઠકો પીએમકેને આપીને સાત લોકસભા બેઠકો આપવાની શરત માન્ય રાખી છે. અગાઉ પીએમકેને માત્ર ત્રણ બેઠક જ આપવાનું નકકી કરાયુ હતું. મંગળવારે ભાજપ અને એઆઈડીએમકેના આ જોડાણની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે કેન્દ્રીય મંત્રી ષિયુષ ગોયલ દિવસના ચેન્નઈ પહોંચી ગયા હતા અને અમિત શાહે સાંજે પહોંચ્યા હતા.

