આસામ અને દેશ માટે આજનો દિવસ ઘણો મહત્ત્વપૂર્ણ છે. આસામમાં ચુસ્ત સુરક્ષાબંદોબ્ત વચ્ચે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)ની અંતિમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. એનઆરસીના સંયોજક પ્રતિક હેજેલાએ જણાવ્યું કે 3,11,21,004 લોકોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 19,06,657 લોકોને આ યાદીમાં સ્થાન મળી શક્યું નથી. આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે કોઈ દાવો જ નહતો કર્યો.
તેમણે જણાવ્યું કે જે લોકો આ યાદીથી સંમત ન હોય તે લોકો ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા પાંચ જિલ્લામાં કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે. જે લોકોના નામ આ અંતિમ યાદીમાં નથી આવ્યા તેમની સુરક્ષા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
હવે જોવાનું એ છે કે જે લોકોનું નામ એનઆરસીની અંતિમ યાદીમાં નથી તેમનું શું થશે? તેમની પાસે કયા વિકલ્પ છે કે તેઓ હજુ પણ ખુદને દેશનાં નાગરિક સાબિત કરી શકે છે? શું તેઓને વિદેશી જાહેર કરી દેવાશે? આવા અનેક સવાલો સર્જાઈ રહ્યા છે. નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ વાસ્તવમાં એક દસ્તાવેજ છે જે એ ઓળખ કરે છે કે કોણ દેશના વાસ્તવિક નાગરિક છે અને કોણ દેશમાં ગેરકાયદે રહે છે.
આ પ્રક્રિયા પ્રથમવાર વર્ષ ૧૯૫૧માં પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નહેરૂની સરકાર દ્વારા આસામના તત્કાલીન મુખ્યમંત્રી ગોપીનાથ બારદોલોઈને શાંત કરવા માટે કરાઈ હતી. બારદોલાઈ વિભાજન પછી મોટી સંખ્યામાં પૂર્વ પાકિસ્તાનથી ભાગીને આવેલા બંગાળી હિન્દુ શરણાર્થીઓને આસામમાં વસવાટ કરવા દેવા અંગે વિરોધ કરતા હતા. આસામમાં આ મામલે આંદોલન થયું હતું અને તે સમાપ્ત કરવા માટે તત્કાલીન રાજીવ ગાંધી સરકારે ૧૯૮૫માં એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ૧૯૭૧ પછી આવનારા લોકોને એનઆરસીમાં સામેલ ન કરવા સંમત્તિ વ્યક્ત કરાઈ હતી.
૨૦૧૦માં કોંગ્રેસની સરકારે બારપેટા અને કામરૂમ જિલ્લામાં એનઆરસી અપડેટ કરવાની શરૂઆત કરી પણ હિંસા થતા એ પ્રક્રિયા ઠપ થઈ છે. સુપ્રીમ કોર્ટ ત્યારપછી ૨૦૦૯માં પ્રથમવાર સામેલ થઈ અને ૨૦૧૪માં આસામ સરકારને એનઆરસી અપડેટ કરવાનો આદેશ આપ્યો હતો. તેના પછી ૨૦૧૫માં આ કામ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં શરૂ થયુ હતું.
એનઆરસી શું છે?
આસામ એકમાત્ર રાજ્ય છે જ્યાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) અમલી થશે. આસામમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને લઈને હંમેશા વિવાદ રહ્યો છે. એક અંદાજ અનુસાર, આસામમાં ૫૦ લાખ બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહે છે. ૧૯૮૦ના દાયકામાં ગેરકાયદે પ્રવાસીઓનાં મામલે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યુ હતું. તેના પછી તત્કાલિન રાજીવ ગાંધી સરકાર અને આસામ ગણ પરિષદ વચ્ચે સમજૂતી થઈ હતી, જેમાં કહેવાયું હતું કે ૨૫ માર્ચ, ૧૯૭૧ સુધીમાં જે લોકો દેશમાં આવ્યા તેમને નાગરિકતા આપવામાં આવશે. બાકીનાં લોકોને દેશમાંથી બહાર મોકલી દેવાશે.

