અટલ બિહારી વાજપેયી અને હાલની નરેન્દ્ર મોદી અને અમિત શાહ હેઠળના ભાજપની તુલના કરતાં ભાજપના પૂર્વ નેતા અને સાંસદ શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે અગાઉ પાર્ટીમાં ‘લોકશાહી’ હતી અને હવે ‘તાનાશાહી’ છે. કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલી વખત બોલતાં એક્ટરમાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે તેમને તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આપમાં સામેલ થવાની ઓફરો મળી રહી છે, પરંતુ તેમણે સૌથી જૂના પક્ષ કોંગ્રેસની પસંદગી એટલા માટે કરી કે ખરા અર્થમાં રાષ્ટ્રીયવાદી પાર્ટી છે. આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પણ આ સલાહ આપી હતી.
સિંહાએ ઉમેર્યું હતું કે ‘મમતા બેનરજી, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા ઘણાં લોકો મને તેમની પાર્ટીમાં સામેલ કરવા માગે છે. પરંતુ મેં કહ્યું હતું કે જે કંઇ પણ સ્થિતિ હશે, સ્થળ તો એ જ રહેશે, એટલે હું આ સ્થળે આવ્યો છું.’ પીએમ મોદી અને અમિત શાહ હેઠળના વર્તમાન અને વાજપેયીના શાસનકાળના પૂર્વ ભાજપની તુલના કરતાં સિંહાએ ઉમેર્યું હતું કે અટલ બિહારીના શાસનમાં સામૂહિક નિર્ણય લેવાતો હતો. એ વખતે ખરા અર્થમાં લોકશાહી હતી. પરંતુ હવે મામલો વન-મેન શો અને ટૂ-મેન આર્મી સુધી મર્યાદિત રહી ગયો છે.

