કોંગ્રેસની મિનિમમ ઈનકમ ગેરંટી અંગેનાં વચન સંદર્ભે પ્રહાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે, ચાર પેઢીઓએ એક જ પ્રકારનું વચન આપ્યા કર્યું હોવા છતાં દેશમાં કશું થયું નથી. જે લોકો પહેલી વાર વોટ આપી રહ્યા છે તે જોઈ શકે છે કે દેશમાંથી ગરીબી નાબૂદ થઈ છે, એમ ‘મૈં ભી ચોકીદાર’ કાર્યક્રમને સંબોધતાં વડાપ્રધાને કહ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, મિશન શક્તિ કે જેમાં સેટેલાઈટને અંતરિક્ષમાં તોડી પાડવામાં આવ્યો હતો તે કાર્યક્રમને લોકસભા ચૂંટણી સાથે કોઈ નિસબત નથી. તેમણે આ કાર્યક્રમની ટીવી પર તેમણે કરેલી જાહેરાતની વિપક્ષો દ્વારા કરવામાં આવેલી ટીકાની નિંદા કરી હતી.
અમેરિકા, રશિયા અને ચીન જો જાહેરમાં આવા ટેસ્ટ કરતા હોય તો શા માટે આપણે તેને છુપાવવા જોઈએ, તેમ એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું. ‘મૈં ભી ચોકીદાર’ બેનર હેઠળ યોજાયેલો આ કાર્યક્રમ સમગ્ર દેશમાં ૫૦૦ જગ્યાએ સંબોધિત કરાયો હતો. ભાજપના કાર્યકરો, ચોકીદારો, વેપારીઓ, ખેડૂતો સહિતના લોકોએ તેમાં ભાગ લીધો હતો. મુંબઈથી કોઈએ પૂછેલા બાલાકોટ એર સ્ટ્રાઈકના જવાબમાં તેમણે કહ્યું કે, દેશની સુરક્ષા માટે આર્મીએ આ કામ કર્યું હતું અને તેમાં તેમની કોઈ ભૂમિકા નથી. તેમણે કહ્યું કે, જે લોકો એર સ્ટ્રાઈકના મામલે મોદીની ટીકા કરી રહ્યા છે તેઓ પાકિસ્તાનને મદદ કરી રહ્યા છે.

