વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટની ઉમેદવારી પૂર્વે કાર્યકરોને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આક્રમકતા સાથે કહ્યુ હતુ કે, લોકસભાની આ ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચેની છે. રાષ્ટ્રવાદ અને પરિવારવાદ વચ્ચે છે, હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છે, ઇમાનદારો અને બેઇમાનો વચ્ચે છે. તેમ કહીને વિપક્ષો બેફામ આક્ષેપ કરીને ભાજપને જીતાડવા માટે હાકલ કરી હતી.
વડોદરાના રાવપુરા વિસ્તારમાં અમદાવાદી પોળ ખાતે જાહેરસભા સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, આ વખતે પણ મોદી સરકાર આવવાની છે. પરંતુ, જો ભૂલથી કોંગ્રસ સત્તામાં આવશે તો, પાકિસ્તાનમાં ઉત્સવ મનાવાશે. કોંગ્રેસને પચાસ વર્ષથી ગરીબો યાદ આવ્યા નથી. હવે રાહુલ બાબા દેશના ગરીબોને ઠાલા વચનો આપીને મત મેળવવા નીકળ્યા છે. જ્યારે મોદી સરકારે વિવિધ યોજનાઓ હેઠળ દેશના ગરીબોનું હિત સાચવવાની શરૂઆત કરી દીધી છે. ભૂતકાળમાં જવાહરલાલ નહેરું, ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધીએ ચૂંટણીઓ સમયે જે વચનો આપ્યા હતા. તે વચનો ક્યારેય પૂરા કર્યા નથી.
વધુમાં તેમણે કહ્યુ હતુ કે, પુલવામાં થયેલા આતંકવાદી હુમલાનો વડાપ્રધાને તો આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. અને દેશની પ્રજાને આપેલું વચન પૂરું કર્યું છે. જ્યારે તાજમાં હુમલો થયો ત્યારે તે વખતની સરકાર વિચારો કરતી હતી. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પુલવામાં થયેલા હુમલાના પુરાવા માંગી રહ્યું.

