H1N1: ગાંધીનગર શહેર-જિલ્લામાં દર્દીઓની સંખ્યા વધી

ગુજરાત

ગાંધીનગર જિલ્લામાં સ્વાઈનફ્લૂના એચવનએનવન વાઈરસના ચેપી રોગથી અત્યાર સુધી જિલ્લામા ત્રણના મોત થયા છે. અગાઉ બાળકીનું મૃત્યુ થયા બાદ દહેગામના અમરાજીના મુવાડામાં રહેતા ૭૦ વર્ષીય વૃધ્ધ આ બિમારીનો શિકાર બન્યા છે. ત્યારે સેક્ટર-૪ની યુવતિ પણ આ રોગનો ભોગ બની છે અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. આ સાથે ગાંધીનગર શહેર જિલ્લામાં ચાલુ સીઝન દરમ્યાન ત્રણ મોત સહિત ર૩ દર્દીઓ નોંધાયા છે.

જાણકારો અનુસાર વધતી જતી ઠંડીમાં સ્વાઈનફ્લૂના અતિ ચેપી અને જીવલેણ એચવનએનવન વાઈરસ વધુને વધુ સક્રિય થઈ રહયા છે. સમગ્ર ગુજરાતમાં સ્વાઈનફ્લૂનો હાહાકાર ફેલાયો છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ સ્વાઈનફ્લૂના દર્દીઓ દિવસેને દિવસે વધી રહયા છે. અગાઉ દહેગામની અઢી વર્ષીય બાળકી સ્વાઈનફ્લૂના કારણે મોતને ભેટી હતી તો ત્યારબાદ ગાંધીનગર શહેર અને જિલ્લાના તમામ તાલુકામાંથી પોઝિટિવ દર્દીઓ પોઝિટિવ દર્દીઓ પ્રકાશમાં આવી રહયા હતા.

નોંધનીય છે કે તાજેતરમાં શહેરના સે-૮માં રહેતા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી પણ સ્વાઈનફ્લૂમાં સપડાયા હતા. તે વચ્ચે થોડા દિવસ અગાઉ દહેગામ તાલુકાના અમરાજીના મુવાડામાં રહેતાં ૭૦ વર્ષીય વૃધ્ધનું સ્વાઈનફ્લૂના કારણે મોત નીપજ્યું હતું.આ અંગે મળતી માહિતી પ્રમાણે વૃધ્ધની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી તે દરમ્યાન જ સ્વાઈનફ્લૂ સામે લડતાં લડતાં તેમણે દમ તોડયો હતો. આ ઉપરાંત તાજેતરમાં સેક્ટર-૪માં રહેતી ૨૮ વર્ષિય યુવતીને  ઘણા વખતથી શરદી-ખાંસી-કફ  સહિત તાવની તકલીફ રહેતી હતી. જેને લઇને તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આઆવી હતી. જ્યાં તેમનો સ્વાઇનફલૂનો ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો. આ યુવતિની છેલ્લા ઘણા દિવસથી સઘન સારવાર ચાલી રહી હતી. આ યુવતીનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ થતાં ગાંધીનગર જિલ્લામાં મૃત્યુનો આંક વધીને ત્રણ થયો હોવાનું જાણવા મળે છે.