મોદી હંમેશા વિદેશમાં દેખાય છે, મોટાં-મોટાં અભિનેતાને આપે છે ઇન્ટરવ્યૂ- પ્રિયંકા

મુખ્ય સમાચાર રાજકીય

ફતેહપુરમાં કોંગ્રેસ ઉમેદવાર રાકેશ સચાન માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલી પ્રિયંકા ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો. એક જાહેરસભાને સંબોધતા પ્રિયંકાએ કહ્યું કે, વડાપ્રધાનજી જનતાને નથી સમજતા. તેઓ હંમેશા વિદેશમાં દેખાય છે. આટલું જ નહીં મોટા-મોટા અભિનેતાઓની સાથે ઇન્ટરવ્યૂ પણ કરાવે છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજે જનતા માટે નહીં, ઉદ્યોગપતિઓને આગળ વધારવા માટે નીતિઓ બનાવવામાં આવી રહી છે. બનારસ થઈ તો જાણવા મળ્યું કે વડાપ્રધાન ગામ નથી જતા. આ સરકારે રોજગાર ઘટાડવાનું કામ કર્યું છે. સરકારે મનરેગાને સમગ્રપણે બંધ કરી દીધી છે. રખડતા ઢોરોની સમસ્યાનું સમાધાન શોધવા સરકારે કંઈ નથી કર્યું.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, નેતાને જનતાની વાત સમજવી જોઈએ. તેના માટે જરૂરી છે કે નેતા જનતાની વચ્ચે જાય. પરંતુ વડાપ્રધાન હંમેશા વિદેશોમાં દેખાય છે. મોટા-મોટા અભિનેતાઓની સાથે ઇન્ટરવ્યૂ કરાવે છે. પ્રિયંકાએ વડાપ્રધાનના ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેન ઉપર પણ નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે ચોકીદાર અમીરોના હોય છે, ગરીબો માટે નહીં.

મૂળે, આજે જ તમામ મીડિયો ચેનલો પર ફિલ્મ સ્ટાર અક્ષય કુમારની સાથે નરેન્દ્ર મોદીની વાતચીતનું પ્રસારણ થયું છે. જેથી પ્રિયંકાએ મોદીને આ વાત પર પણ ઘેરી લીધા. તેઓએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ‘ન્યાય’ની વાત કરે છે. તેમની સરકાર આવશે તો તમામને 72 હજાર રૂપિયા મળશે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ બન્યા બાદ બીજી વાર ઉમેદવાર રાકેશ સચાનના સમર્થનમાં ફતેહપુર પહોંચી હતી. આ પહેલા તેઓ અહીં રોડ શો કરી ચૂકી છે. રાકેશ સચાન સપા છોડીને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો બીજેપીના સિટિંગ સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિ સામે છે.