ઓડિશા, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં વાવાઝોડું ત્રાટકતાં 15 લાખનું સ્થળાંતર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પુર ઝડપે પવન અને વરસાદ સાથે આખરે ફાની વાવાઝોડુ ઓડિશા અને તેની આસપાસના રાજ્યોમાં ત્રાટક્યું હતું. જેને પગલે માત્ર ઓડિશામાંથી જ આશરે ૧૧ લાખ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ૧૦ હજારથી વધુ ગામડા અને ૫૦ જેટલા નાના ટાઉનને સૌથી માઠી અસર પહોંચી છે.

ઓડિશા સરકારે અગાઉથી જ સાવચેતીના ભાગરુપે રાહત અને બચાવની કામગીરી કરી લીધી હતી. જ્યારે ઓડિશા ઉપરાંત આંધ્ર પ્રદેશમાં પણ શ્રીકાકુલમ, વિઝીઆનગરમ અને વિશાખાપટનમમાં ફાની વાવાઝોડુ ત્રાટક્યું હતું. અહીં અગાઉથી જ ચાર હજાર ગામડા ખાલી કરી લેવાયા હતા.

વાવાઝોડાની ગતી એટલી ઝડપી હતી કે સમુદ્રમાં ૧.૫ મિટર ઉંચે મોઝા ઉછળ્યા હતા, જ્યારે સમુદ્રી કિનારે અનેક વૃક્ષો ધરાશાઇ થયા હતા. ઓડિશામાં આવતી જતી બધી જ ફ્લાઇટ્સને રદ કરી દેવામાં આવી હતી જ્યારે આંધ્ર પ્રદેશમાં પણ પ્રભાવીત વિસ્તારોમાં વાહનોની અવર જવર બંધ કરી દેવાઇ છે. અનેક ગામડાઓમાં વિજળી જતી રહી હતી પરીણામે હજારો લોકો અંધારપટમાં હતા.

ભારતીય કોસ્ટગાર્ડ અને નેવી બન્નેએ મોટા પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા કરી લીધી હતી, અનેક શિપ્સ અને હેલિકોપ્ટરને પણ તૈનાત કરી દેવાયા હતા જેનો ઉપયોગ ઇમર્જન્સીમાં રાહત અને બચાવની કામગીરીમાં થઇ શક્યો હતો. ઓડિશા, આંધ્ર ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ ફાની વાવાઝોડુ ત્રાટક્યું હતું, જેને પગલે અહીં કોલકાતામાં આવતી જતી કેટલીક ફ્લાઇટ્સને રદ કરી દેવામાં આવી હતી.

૧૯૯૯થી ફાની સૌથી ખાતર વાવાઝોડુ માનવામાં આવે છે, જેણે ૧૦ હજાર લોકોનો ભોગ અગાઉ લીધો છે, જેને પગલે આ વાવાઝોડાની આગાહી થતા જ છેલ્લા ૧૫ દિવસથી દરેક રાજ્યો સતર્ક રહ્યા હતા.

નેવી, કોસ્ટ ગાર્ડ ઉપરાંત એરફોર્સને પણ હાઇ એલર્ટ પર મુકવામાં આવી છે. અનેક જવાનોને તૈનાત કરી દેવાયા હતા. ઓડિશાના સમુદ્રી કિનારા વાળા વિસ્તારોમાંથી પસાર થતી આશરે ૨૫૦ જેટલી ટ્રેનોને રદ કરી દેવામા આવી છે,

આ ઉપરાંત કોલકાતા અને ચેન્નઇ વચ્ચેની પણ અનેક ટ્રેનો રદ છે. ફાની વાવાઝોડાની અસરને પગલે સમગ્ર દેશમાં હવામાનમાં પણ અચાનક પલટો આવી ગયો હતો, ગરમીમાં અચાનક ઘટાડો થયો હતો. જોકે વાવાઝોડાની સાથે વરસાદ પણ પડયો હોવાથી અનેક ખેતરોમાં પાણીને પગલે ઉનાળુ પાકને નુકસાન થયું છે.