વડાપ્રધાન મોદી સામે આચારસંહિતાના ઉલ્લંઘનની વધુ એક ફરિયાદમાં ગુરુવારે ચૂંટણી પંચે ક્લિનચીટ આપી દીધી હતી. આ ઉપરાંત અમિત શાહને હત્યાના આરોપી કહેનારા રાહુલ ગાંધીને પણ ચૂંટણી પંચે રાહત આપી હતી.
હકીકતમાં કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે વડાપ્રધાન મોદીએ 21મી એપ્રિલે રાજસ્થાનમાં એક રેલી દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, કોઇપણ નિયમનું ઉલ્લંઘન થયું નથી. ત્યાંજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચૂંટણી પંચે મોટી રાહત આપી છે. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં એક રેલી દરમિયાન અમિત શાહને હત્યારા કહ્યા હતા. આ મામલે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી.
ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ક્લિનચીટ આપતા જણાવ્યું હતું કે, ફરિયાદની વિસ્તૃત તપાસ કરાઇ હતી અને જબલપુર જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા મોકલવામાં આવેલા સમગ્ર ભાષણની તપાસ બાદ ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે આચારસંહિતાનું ઉલ્લંઘન થયું નથી. નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ. વાહ શું શાન છે! ભાજપે આ મુદ્દે ચૂંટમી પંચમાં ફરિયાદ કરી હતી.

