NRCની અંતિમ યાદીમાં સ્થાન નહીં મેળવનારા 19.06 લાખ લોકોનું હવે શું?

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સની અંતિમ યાદી જાહેર થઈ ચૂકી છે. આ યાદીમાં 3.11 કરોડ લોકોને સ્થાન મળી ગયું છે જ્યારે આસામમાં રહેતા 19.06 લાખ લોકોને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આમાંથી કેટલાક લોકો એવા પણ હતા જેમણે પોતે ભારતીય નાગરિક હોવાનો દાવો જ નહતો કર્યો. તે લોકોને પણ હજી આ યાદીના વિરોધમાં અપીલ કરવાનો વધુ એક વિકલ્પ મળશે. ફોરેન ટ્રિબ્યૂનલથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તેઓ એનઆરસીમાં સ્થાન નહીં મળવા પર અપીલ કરી શકશે.

શેડ્યૂલ ઓફ સિટિઝનશિપના સેક્શન આઠ અનુસાર લોકો એનઆરસીમાં પોતાનું નામ નહીં હોવા પર અપીલ કરી શકશે. અપીલ માટે સમયસીમા 60 દિવસથી વધારીને 120 દિવસ કરી દેવાઈ છે એટલે કે 31 ડિસેમ્બર, 2019 સુધી લોકો અપીલ કરી શકશે. ગૃહ મંત્રાલયના આદેશ અંતર્ગત 400 ટ્રીબ્યૂનલ્સનું ગઠન કરાયું છે જે એનઆરસીના વિવાદોનો અંત લાવવાનું કામ કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટ રીતે જણાવ્યું કે એનઆરસી યાદીમાં જે લોકોના નામનો સમાવેશ ન થયો હોય તેવા લોકોને વિદેશી જાહેર કરી દેવામાં આવશે. આવા લોકોને ફોરેન ટ્રીબ્યૂનલ સમક્ષ પોતાનો કેસ રજૂ કરવાનો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જે લોકોના નામનો સમાવેશ યાદીમાં નહીં થયો હોય તેવા લોકોની ધરપકડ નહીં કરવામાં આવે. ફોરેન ટ્રીબ્યૂનલ્સનો ચુકાદો આવે ત્યાં સુધી તેમને છૂટ આપવામાં આવશે.

જો કોઈ વ્યક્તિ ટ્રીબ્યૂનલમાં કેસ હારી જશે તો તેમની પાસે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાનો પણ વિકલ્પ ખુલ્લો રહેશે. દરેક કાયદાકીય વિકલ્પો અજમાવતા પહેલા એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં નહીં આવે. આસામ સરકારે લોકોને જણાવ્યું છે કે જો કોઈ પરિવાર ગરીબ હશે અને તેઓ કાયદાકીય લડત લડવા માટે સક્ષમ નહીં હોય તો તેમને સરકાર મદદ આપશે. એનઆરસીની અંતિમ યાદીમાં જે લોકોનું નામ સામેલ નથી થયું તેવા પરિવારોને સત્તાધારી ભાજપ અને વિપક્ષીઓએ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.