શહેરના પાંડેસરા GIDCમાં આવેલી મયુર ડાઈંગ મીલમાં શનિવારે વહેલી સવારે વિકરાળ આગની ઘટના બની હતી. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાની તો થઈ નહતી. અલબત્ત, આગે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, કાબુમાં લેવા માટે 18 કરતા વધારે ફાયર ફાયટરો કામે લગાડવા પડ્યા હતા. તક્ષશિલા અગ્નિકાંડ પછી શહેરમાં ફાયરસેફ્ટી માટેની સુવિધા ઊભી કરાવવા માટેની મથામણ ચાલી રહી છે. તેમાં પાલિકાનું ફાયરબ્રિગેડ આ બહાને ફાયર સેફ્ટીના સાધનોના વેપારમાં ગળાડૂબ થઇ ગયું છે. તેવામાં ફરી આગની આ મોટી ઘટનાથી ફાયર બ્રિગેડનું પાણી મપાઈ ગયું હતું, પાલિકા પાસે કરોડો રૂપિયા ખર્ચ કરાવ્યા પછી અને શહેરના હજારો મિલકતદારો પાસે પણ ફાયર સેફટીના નામે કરોડો રૂપિયાનું આંધણ કરાવ્યા પછી પણ ફાયર બ્રિગેડનો પનો ટૂંકો પડયો હતો.
આ ઘટનાની હકીકત એવી છે કે, પાંડેસરા GIDCમાં મયુર સિલ્કમિલમાં શનિવારે સવારે 5.15 વાગ્યે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના બની હતી તે સમયે એક પણ કર્મચારી મિલમાં હાજર ન હતો, તેથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી.
આગને કાબુમાં લેવા માટે કતારગામ, ડુંભાલ, ડીંડોલી, ભેસ્તાન, મજૂરા અને ભાગળ ફાયર સ્ટેશનના 18થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. કલાકોની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઇ શકાય હતી. આગ એટલી વિકરાળ હતી કે, એક તબક્કે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

