કેન્દ્રીય કેબિનેટે એક જાન્યુઆરી, ૨૦૧૯થી અમલમાં આવે તે રીતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. કેબિનેટના આ નિર્ણયનો લાભ ૧.૧ કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકના અંતે નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારો કર્યા પછી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૯ ટકાથી વધીને ૧૨ ટકા થયું છે. ૧૨ ટકા મોંઘવારી ભથ્થાનો લાભ એક જાન્યુઆરી, ૨૦૧૯થી આપવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં થયેલા આ વધારોનો લાભ કેન્દ્ર સરકારના ૪૮.૪૧ લાખ કર્મચારીઓ અને ૬૨.૦૩ લાખ પેન્શનરોને મળશે. સાતમા પગાર પંચની ભલામણને ધ્યાનમાં રાખીને જ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

