કાશ્મીરના યુવાનોને સેનાની ચેતવણી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કાશ્મીરમાં પુલવામા હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, આ હુમલામાં કાશ્મીરી અને પાકિસ્તાની આતંકીઓ સામેલ છે. જેને પગલે હવે સૈન્યએ કાશ્મીરમાં આતંકવાદના સફાયા માટે આક્રમક પગલાં લીધા છે. સૈન્ય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ કાશ્મીરમાં હથિયાર ઉઠાવશે તેને સાફ કરી દેવામાં આવશે. સૈન્યએ આ ચેતવણી એવા સમયે આપી છે જ્યારે કાશ્મીરમાં પુલવામામાં પાંચ જ દિવસમાં બે મોટા આતંકી હુમલા થયા છે જેમાં ૪૫ જવાનો શહીદ થયા છે. સૈન્યના અધિકારી કો. લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ધીલ્લોને એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી, જે દરમિયાન કાશ્મીરના આઇજી એસપી પાની અને સીઆરપીએફના આઇજી ઝુલ્ફીકાર હસન પણ હાજર રહ્યા હતા. ધીલ્લોને કાશ્મીરના યુવાઓને પણ અપીલ કરી છે કે તેઓ આતંકી પ્રવૃત્તિમાંથી બહાર આવી જાય અને હથિયાર મુકી દે, તેમણે કહ્યું છે કે કાશ્મીરની માતાઓ પોતાના સંતાનોને આ રસ્તે જતા અટકાવે. ધીલ્લોને સાથે આક્રામક રીતે ચેતવણી જારી કરી દીધી છે કે જે પણ વ્યક્તિ હથિયાર ઉઠાવશે અને આતંકી પ્રવૃત્તિમાં સામેલ થશે તેનો સફાયો કરતા અમને હવે વાર નહીં લાગે. આવા લોકો જો સરેન્ડર કરે તો ઠીક છે બાકી હવે અમે છોડવાના નથી.