મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે વ્યાપક અફડાતફડી ભાવમાં જોવા મળી હતી. સોના- ચાંદીના ભાવ શુક્રવારે બપોર પછી ઉંચા મથાળેથી ઝડપી તૂટી ગયા પછી શુક્રવારે મોડી સાંજે ભાવ ફરી ઉછળ્યા હતા પરંતુ આ ઉછાળો ઉભરા જેવો નિવડતાં ભાવ સપ્તાહના અંતે ફરી નીચા આવ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વબજારના સમાચાર બેતરફી ઉછળકુટ બતાવી રહ્યા હતા અને તેની પાછળ ઘરઆંગણાના ઝવેરીબજારો ઝોલા ખાતા રહ્યા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના શુક્રવારે બપોર પછી ઉંચેથી ગબડી નીચામાં ૧૫૦૩થી ૧૫૦૩.૫૦ ડોલર સુધી ઉતરી ગયા હતા તે ભાવ ત્યાર પછી શુક્રવારે મોડી સાંજે ફરી ઉછળી ઉંચામાં ૧૫૨૪થી ૧૫૨૪.૫૦ ડોલર સુધી પહોંચ્યા હતા. જોકે ત્યાર પછી આ ઉછાળો ઉભરા જેવો નિવડતાં ભાવ ફરી નીચા ઉતરતાં સપ્તાહના અંતે ભાવ ઘટી ૧૫૦૬.૫૦થી ૧૫૦૭ ડોલર રહ્યાના સમાચાર હતા.
વિશ્વબજારમાં ઉછાળે ફંડવાળા વેચવાલ રહ્યા હતા. અમેરિકામાં જોબગ્રોથના આંકડા સારા આવતા સોનામાં ઉછાળે વેચવાલી નિકળી હતી. અમેરિકામાં ઓગસ્ટનો જોબગ્રોથ ૧ લાખ ૩૦ હજાર આવ્યાના સમાચાર હતા. ત્યાં બેરોજગારીનો દર ૩.૭૦ ટકાના મથાળે જળવાઈ રહ્યો છે. આના પગલે વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ આંચકા પચાવી ફરી ઉંચો જતાં વિશ્વબજારમાં સોનામાં ઉછાળે વેચવાલી વધ્યાના વાવડ હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦નારૂ.૩૮૧૮૯ વાળા ઉંચામાં રૂ.૩૮૫૫૦ થઈ છેલ્લે રૂ.૩૮૧૫૦થી ૩૮૨૦૦ બંધ બજારો આજે બોલાઈ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૮૩૪૩ વાળા રૂ.૩૮૭૦૦ થઈ રૂ.૩૮૩૦૦થી ૩૮૩૫૦ રહ્યા હતા. દરમિયાન, જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૬૯૮૦ વાળા રૂ.૪૮૧૫૦થી ૪૮૨૦૦ થયા પછી ભાવ ફરી નીચા ઉતરી સપ્તાહના અંતે રૂ.૪૭૦૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૧૮.૦૬ ડોલર તથા ત્યાર પછી ઉંચામાં ભાવ ૧૮.૭૫ ડોલર થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૧૮.૧૭થી ૧૮.૧૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સપ્તાહના અંતે પ્લેટીનમના ભાવ ઔંશના ઘટી ૯૫૧.૨૦થી ૯૫૧.૩૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૫૪૨થી ૧૫૪૨.૧૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
જોકે ક્રુડતેલના ભાવ જે ઉંચેથી નીચા ઉતર્યા હતા તે ફરી ઉછળ્યાના નિર્દેશો મળ્યા હતા. બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલના ફરી ૬૧ ડોલર કુદાવી છેલ્લે ૬૧.૫૦થી ૬૧.૫૫ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ વધી સપ્તાહના અંતે ૫૬.૫૦થી ૫૬.૫૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
ચીન તથા અમેરિકા વચ્ચે હવે આગળ ઉપર વેપાર વિષયક વાતચીત કેવી આગળ વધે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. દરમિયાન, ચીનથી મળતા સમાચાર મુજબ ત્યાં સરકારે બેન્કો માટે રિઝર્વ રેશિયો હળવો કરતાં ત્યાં નાણાં પ્રવાહીતા વધી છે અને આના પગલે વિશ્વબજારમાં કોપરના ભાવ આંચકા પચાવી હવે નવા સપ્તાહમાં ઉંચા જવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.

