સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું સત્ર સોમવારથી થશે શરૂ, ભારત-પાકિસ્તાન પર વિશ્વની નજર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું સત્ર સોમવારથી શરૂ થઇ રહ્યું છે. આ દરમિયાન નવી દિલ્હી માટે સૌથી મહત્વની વાત તે હશે કે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે અહીંયા કોઇ ચાલ ન ચાલે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી 9થી 12 સપ્ટેમ્બર સુધી આ સત્રમાં ભારતની વિરૂદ્ધ પાકિસ્તાનનું નેતૃત્વ કરશે.

આ સત્ર જીનેવામાં 9થી 27 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. જો પાકિસ્તાન પ્રસ્તાવને આગળ વધારવા ઇચ્છે તો તેને 19 સપ્ટેમ્બર પહેલા આ માટે આયોજન કરવું પડશે. જિનેવા અને દિલ્હીમાં રહેલા ડિપ્લોમેટ્સ અને સુરક્ષા અધિકારીઓ મુજબ જ્યારે વિદેશ પ્રધાન એસ.જયશંકર 47 સભ્યોની UNHRCના પ્રત્યેક સભ્યોની સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરી રહ્યા છે ત્યારે એનએસએ અજીત ડોભાલ પોતે કાશ્મીરમાં આંતરિક સ્થિતિને મેનેજ કરી રહ્યા છે.

UNHRCમાં ભારતનું નેતૃત્વ સચિવ વિજય ઠાકુર સિંહની સાથે સાથે અન્ય અધિકારીઓ ઉપરાંત પાકિસ્તાનમાં ભારતીય રાજદૂત અજય બિસારીયા કરશે. ડિપ્લોમેટ્સ મુજબ પાકિસ્તાન પહેલા સ્થિતિનું આંકલન કરશે અને ત્યારબાદ UNHRCમાં તાત્કાલીક ચર્ચા અથવા પ્રસ્તાવ માટે કહી શકે છે. પરંતુ તાત્કાલીક ચર્ચાના મામલે પાકિસ્તાન ફાવી શકે તેમ નથી. આ ઉપરાંત પાકિસ્તાનની પાસે એક વિકલ્પ તે પણ છે કે તે કાશ્મીરમાં કથિત માનવાધિકારનો ઉલ્લંઘનનો હવાલો આપીને એક પ્રસ્તાવ રજૂ કરી શકે છે. અને તેના પર વોટિંગની માગણી કરી શકે છે.