ગાંધી પરિવારના નજીકના નેતાઓમાં આવતા સંજય સિંહ અને તેમની પત્નિ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. સંજયસિંહે મંગળવારે કોંગ્રેસ અને રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારથી જ નક્કી મનાતું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જ્યારે તેમના પત્નિ ઉત્તરપ્રદેશ પ્રોફેશનલ કોંગ્રેસની અધ્યક્ષ રહી ચૂક્યા છે.
ગત મંગળવારે સંજય સિંહે રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ પર આક્ષેપો કરતા પત્રકારોને કહ્યું હતું કે, કોંગ્રેસનું નેતૃત્વ શુન્ય છે. હું ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના કારણે મોદીને સમર્થન કરૂં છું. તેમના આ નિવેદન બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું હતું.
અસમથી રાજ્યસભાના સાંસદ સંજયસિંહને સાંસદ તરીકે એક વર્ષનો કાર્યકાળ બાકી હતો તે પહેલા તેમણે સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું ત્યારે અટકળો લગાવવામાં આવી રહી છે કે, ભાજપ સંજયસિંહને રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બનાવી શકે છે. આ પહેલા લોકસભાની ચૂંટણીમાં સંજયસિંહ સુલ્તાનપુર સીટ પરથી મેનકા ગાંધી વિરુદ્ધ કોંગ્રેસની ટીકીટ પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
અમેઠીના રોયલ પરિવારના સંજયસિંહે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસમાં જોડાઈને કરી હતી. પરંતુ રામમંદિર આંદોલન વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જે બાદ ફરી ભાજપમાં જોડાવવાને ઘરવાપસી ગણવામાં આવી રહી. 1998માં તેઓ અમેઠીથી કોંગ્રેસના કેપ્ટન સતીશ શર્માને હાર આપી સાંસદ બન્યા હતા અને વાજપાયી સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. તે પછી કોંગ્રેસમાં રાહુલ ગાંધીના આગમન બાદ કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે ફરીથી ભાજપમાં જોડાયા છે.
લોકસભાની ચૂંટણીમાં હાર બાદ સંજયસિંહ રાહુલ ગાંધીના સમર્થનમાં આવી અને અધ્યક્ષ પદ પરથી રાજીનામું પરત લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ જે પ્રકારે દેશમાં રેલીઓ અને પ્રચાર કર્યો છે તે કાબિલે તારીફ છે. તેમના પ્રયાસોમાં કોઇ કમી નથી રહી. પોતાની યોજનાને જનતા સુધી નહી પહોંચાડી શકવાને કારણે કોંગ્રેસ પાર્ટીની હાર થઇ છે.

