મોદી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ: ચૂંટણી પંચે ક્લીન ચિટ આપી

મુખ્ય સમાચાર રાજકીય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન હાઈસ્કૂલમાં મતદાન કર્યા પછી અને પહેલા ખુલ્લી જીપમાં આવીને અને જતી વખતે મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની એક ફરિયાદ કોન્ગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તેમ જ તેમને બેથી ત્રણ દિવસ ચૂંટણી પ્રચારથી દૂર કરી દેવાની માગણી કરવામાં આવી હતી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ટાણે પણ કમળનું ચિહ્ન બતાવવા બદલ નરેન્દ્ર મોદી સામે ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરવાની ફરિયાદ થઈ હતી. નરેન્દ્ર મોદી સામેની ફરિયાદમાં તેમણે મત આપ્યા પછી રૉડ શૉ કર્યો અને રાજકીય નિવેદનો પણ કર્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જોકે ચૂંટણી પંચે તેમાં આચારસંહિતાનો ભંગ નથી થતો તેમ આજે જ જણાવીને તેમને ક્લિનચીટ આપી દીધી છે.

નરેન્દ્ર મોદીને જોવા માટે મણિનગરથી રાણીપ સુધી લોકો આવ્યા હતા. રસ્તા પર તેમને જોવા માટે અંદાજે પોણો કિલોમીટરથી લાંબી લાઈને રસ્તાની બંને તરફ લાગી હતી. મકાનની ગેલેરીઓમાં અને ટેરેસ પર લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આ માનવ મેદનીને જોઈને નરેન્દ્ર મોદીએ ખુલ્લી જીપમાં આવવાનું પસંદ કર્યું હતું. લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આવેલા નરેન્દ્ર મોદીએ મતદાન કરીને બહાર નીકલ્યા પછી ફરી ખુલ્લી જીપમાં જઈને દોઢસો મીટર આગળ જઈને પત્રકારોને ઇન્ટરવ્યુ પણ આપ્યો હતો. તેથી તેમના પર આચારસંહિતાના ભંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી જાણીબૂઝીને આચારસંહિતાનો ભંગ કરે છે. તેથી તેમની સામે તત્કાળ પગલાં લેવાની માગણી કોન્ગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. તેમના પર ૪૮થી ૭૨ કલાકનો પ્રચાર કરવા પરનો પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીનું આ આયોજન મતદાન કર્યા પહેલાનું હતું. તેમની નિકટના પત્રકારોને તેઓ ઇન્ટરવ્યુ આપવાના હોવાનું લોકેશન પણ આપી દીધું હતું.

અમિત શાહે પણ પ્રધાનમંત્રીની માફક જ હજારોની સંખ્યામાં તેમના ચાહકોની હાજરીમાં નારણપુરામાં સબઝોનલ ઓફિસના મતદાર કેન્દ્રમાં જઈને મતદાન કર્યું હતું. તેમને જોવા માટે પણ મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી હતી.

જોકે ગુજરાતમાં આંચારસંહિતા ભંગની અંદાજે ૪૩ ફરિયાદ થઈ હતી. તેમાં સૌથી વધુ ૧૧ ફરિયાદ અમદાવાદમાં થઈ હતી. મહેસાણામાં ૫, જૂનાગઢમાં ૫, જામનગરમાં ૩ ઉપરાંત રાજકોટ, પોરબંદર, છોટાઉદેપુર વગેરેમાં ૧-૧ ફરિયાદો થઈ હતી. આમાંની મોટાભાગની ફરિયાદ મૌખિક થઈ હોવાનું ચૂંટણી કમિશનરની કચેરીના ફરિયાદ વિભાગના વડા પી. ભારતીએ જણાવ્યું હતું.

માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં રફાળા ગામે જવાહર ચાવડાના માણસોએ લોખંડના પાઈપ અને લાકડીથી ફટકારીને મતદાન કરવા માટે આવેલી મહિલાઓ અને પુરુષોને તગેડી મૂક્યા હતા. સૌથી વધુ નવાઈની વાત તો એ હતી કે પોલીસ પણ આ ખેલ મૂકપ્રેક્ષક બનીને જોતી રહી હતી. આ અંગે પી. ભારતીને પૂછવામાં આવતા તેમણે પહેલા તો કહ્યું હતું કે આ ફેક વિડીયો છે, પછી તરત જ કહ્યું હતું કે મતદાન શરૂ થયા પહેલાનો વિડીયો છે.