વડોદરામાં એક ડ્રાઈવરે FB ઉપર લખ્યું નરેન્દ્ર મોદીનું અવસાન થયુ પછી શું થયું? જુઓ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

1 એપ્રિલના રોજ લોકો એપ્રિલ ફુલ બનાવવા માટે વિવિધ પ્રકારના ગપગોળા ચલાવતા હોય છે, પરંતુ વડોદરામાં ડ્રાઈવર તરીકે કામ કરતા ઘનશ્યામ પરમાર નામના વ્યકિતએ પોતાની ફેસબુક વોલ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અવસાન થયું તેવા ખોટા સમાચાર મુકયા હતા. આ અંગે ભાજપના એક કાર્યકરે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા પોલીસે ઘનશ્યામ પરમારની ધરપકડ કરી છે.

તા 31મી માર્ચની રાતના 12,05 મિનીટે વડોદરાના ભાજપના કાર્યકર અને મોબાઈલ ફોનની દુકાન ધરાવતા યોગેશ પરમારે ફેસબુક ઉપર એક પોસ્ટ જોઈ હતી. જેમાં લખ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અકાળે અવસાન થયું છે, અને આ પોસ્ટમાં ઘટનાને સમર્થન આપતા હોય તેવા ત્રણ અલગ અલગ ફોટો પણ મુકયા હતા. આ સમાચાર જોતા યોગેશ પરમારને આધાત લાગ્યો હતો અને તેમણે તરત ટીવી ચાલુ કરી આ અંગેના સમાચાર જોવાનો પ્રયત્ન કર્યો પણ તેવા કોઈ સમાચાર કોઈ ટીવી ચેનલ ઉપર ચાલતા ન્હોતા.

આમ પોસ્ટ મુકનાર ઘનશ્યામ પરમાર નામની વ્યકિતએ એપ્રિલ ફુલ બનાવવા માટે આ પ્રકારની પોસ્ટ મુકી હતી, પરંતુ આ ઘટના ગંભીર હોવાને કારણે દેશભરના લોકોમાં ડરનો માહોલ ઉભો થાય તેમજ શાંતિનો ભંગ થાય તેવી હતી. જેના કારણે યોગેશ પરમારે આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આ પ્રકારની પોસ્ટ મુકનાર ઘનશ્યામ પરમારને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે ઘનશ્યામ પરમાર આમ આદમી પાર્ટીનો કાર્યકર છે અને તેણે લોકોને મુર્ખ બનાવવા માટે જ પોસ્ટ મુકી હતી પણ તેની આ મઝાક તેને જેલ સુધી લઈ આવી છે.