કોંગ્રેસે લોકસભામાં ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવાના મુદ્દે મોદી સરકાર પાસે જવાબ માંગ્યો

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મંગળવારે લોકસભામાં ગાંધી પરિવારની સ્પેશ્યિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) સેવા હટાવવાના મુદ્દે મોદી સરકાર પાસે જવાબ માંગ્યો હતો, જો કે સરકારે આ મામલે જણાવ્યું હતું કે આ બાબત શૂન્યકાળમાં ઉઠાવી શકાય નહીં અને કોંગ્રેસના નેતાએ આ બાબતે કોઈ નોટિસ પણ આપી નથી.

સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે સંસદના બન્ને ગૃહમાં જોરદાર હંગામો થયો હતો. કાશ્મીરમાં નેતાઓની ધરપકડ અને જેએનયુ મામલે વિપક્ષે જોરદાર વિરોધ કર્યો હતો. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગિત રાખવાની ફરજ પડી હતી. કોંગ્રેસના સાંસદોએ લોકસભામાં મોદી સરકાર જવાબ આપે, તાનાશાહી બંધ કરોના સૂત્રો પોકાર્યા હતા અને સ્પીકરની વેલમાં ઘસી ગયા હતા.

કોંગ્રેસે ગાંધી પરિવારના સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની એસપીજી સુરક્ષા હટાવવા મામલે નિર્ણય મુલતવી રાખવાની દરખાસ્ત કરી હતી જેને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ફગાવી દીધી હતી.

કોંગ્રેસના સાંસદ અધિર રંજને જણાવ્યું હતું કે પરિવાર પર જીવનું જોખમ રહેલું છે અને તેમની એસપીજી સુરક્ષા પરત ખેંચવી જોઈએ નહીં. કોંગ્રેસના નેતાએ એવી દલીલ રજૂ કરી હતી કે અગાઉની અટલ બિહારી વાજપેયી સરકારે પણ ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવી નહતી. ભાજપના સંસદીય બાબતોના મંત્રી અર્જૂન રામ મેઘવાલે જણાવ્યું કે, ચૌધરી શૂન્યકાળમાં આ બાબત ઉઠાવી શકે નહીં અને તેમણે આ અંગે કોઈ દરખાસ્ત પણ કરી નહતી.

કેન્દ્ર સરકાર દ્વારા ગાંધી પરિવારના સભ્યોનું એસપીજી સુરક્ષા કવચ પરત ખેંચતા તેમને સીઆરપીએફના જવાનો સાથેની ઝેડ પ્લસ સુરક્ષા પુરી પાડવામાં આવી હતી.