અલીગઢમાં બજાર બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો, ભીડે પથ્થરમારો કર્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. અહિંયા પણ લોકડાઉન લાગુ છે અને પોલીસ લોકોને કડકાઈથી લોકડાઉનનું પાલન કરાવી રહી છે. આ વચ્ચે અલીગઢના ભુજપુરા વિસ્તારમાં પોલીસ ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસ વિસ્તારમાં બજાર બંધ કરાવવા માટે ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસકર્મીઓ પર પથ્થર ફેંક્યા હતા.

પોલીસ પર હુમલાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, લોકોની ભીડ પોલીસ પર અંધાધૂંધ ઈંટો અને પથ્થર ફેંકી રહી છે. લોકડાઉન દરમિયાન માત્ર સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી બજાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ ઘણા લાંબા સમય સુધી બજાર ખુલ્લુ રહેતા પોલીસ ત્યાં બજાર બંધ કરાવવા માટે પહોંચી હતી. પોલીસે ત્યાં દુકાનાદારોને દુકાન બંધ કરવા માટે કહ્યું હતું જેને કારણે હોબાળો થયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે, પોલીસ અને કેટલાક દુકાનદારો વચ્ચે વાકયુદ્ધ થયું હતું. તે દરમિયાન કેટલાક શાકભાજી વિક્રેતાઓએ પોલીસ પર પથ્થર ફેંકવાનું શરૂ કરી દીધું હતું. હુમલા દરમિયાન એક પોલીસકર્મીના માથા પર ઈજા થઈ છે.