આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલા મનિ લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પૂર્વ નાણાંમત્રી પી. ચિદમ્બરમની અંદાજે બે કલાક તિહાડ જેલમાં જ પૂછપરછ કરી હતી. વિશેષ કોર્ટમાંથી મંજૂરી મળ્યા પછી ઈડીની ટીમ સવારે તિહાડ જેલ પહોંચી હતી. પૂછપરછ પછી ઈડીએ તેમની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન ચિદમ્બરમની પત્ની અને તેનો દીકરો કાર્તિ પણ તેમને મળવા જેલ પહોંચ્યા હતા. બીજી બાજુ સીબીઆઈ ભ્રષ્ટાચાર કેસમાં ચિદમ્બરમ અને તેમના દીકરા કાર્તિ સામે ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે.
ઈડીના અધિકારીઓ સિવાય કાર્તિ ચિદમ્બરમ અને નલિની ચિદમ્બરમ પણ તિહાડ જેલ પહોંચી ગયા હતા. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે આઈએનએકસ કેસમાં ઈડીને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમની પૂછપરછ કરવાની મંજૂરી આપી છે.
સીબીઆઈની ચાર્જશીટમાં આરોપ છે કે, ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે લાંચ લઈને આઈએનએક્સ મીડિયાને 2007માં રૂ. 305 કરોડ રૂપિયા અપાવવા માટે વિદેશ રોકાણ પ્રોત્સાહન બોર્ડમાંથી મંજૂરી અપાવી હતી. આ નિર્ણય પ્રક્રિયામાં ઘણાં સરકારી અધિકારીઓ સામેલ હતા. તેમાંથી એકનું નામ સીબીઆઈ ચાર્જશીટમાં હોઈ શકે છે. જોકે ઈન્દ્રાણી મુખરજી અને પીટર મુખરજીનો ખાસ માનવામાં આવતા અધિકારીના નામનો ખુલાસો નથી થયો. સીબીઆઈની ચાર્જશીટમાં ઈન્દ્રાણી સરકારી સાક્ષી બની શકે છે. હાલ તે તેની દીકરી શીના બોરાની હત્યા કેસમાં જેલમાં બંધ છે.
ચિદમ્બમરે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી
આ પહેલાં ચિદમ્બરમે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. ચિદમ્બરમ તરફથી વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને કહ્યું કે, આ મામલે પૂર્વ નાણામંત્રી અથવા તેમના કોઈ પણ સભ્ય પર સાક્ષીઓને પ્રભાવિત કરવા તે તેમની પાસે જવાનો કોઈ આરોપ નથી. સીબીઆઈ ચિદમ્બરમને અપમાનિત કરવા માટે જેલમાં રાખી રહ્યા છે. ચિદમ્બરમના વકીલોએ જામીન અરજી ફગાવવા મામલે સંબંધી દિલ્હી કોર્ટના આદેશ સામે સવાલ ઉભા કર્યા હતા.
સીબીઆઈએ ચિદમ્બરમની 21 ઓગસ્ટે ધરપકડ કરી હતી
આઈએનએક્સ મીડિયા કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં ચિદમ્બરમ 5 સપ્ટેમ્બરથી તિહાડ જેલમાં બંધ છે. વિશેષ કોર્ટે 30 સપ્ટેમ્બરે તેમને ત્રીજી વખત જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબરે ખતમ થઈ રહી હતી. સીબીઆઈએ 21 ઓગસ્ટે ચિદમ્બરમની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. ત્યારપછી તપાસ એજન્સીએ 14 દિવસની અટકાયતમાં લઈને પૂછપરછ કરી હતી.

