કલમ 370 : કાશ્મીર અંગે ભારતે લીધેલા નિર્ણયનો ચીન કેમ વિરોધ કરે છે?

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ભારત સરકારે કાશ્મીરને આપેલો વિશેષ દરજ્જો પરત લઈ લીધો છે, જેનાથી ચીનનાં ભવાં ચડી ગયાં છે. ગત અઠવાડિયાથી વિવિધ નિવેદનો દ્વારા ચીન પોતાનો વિરોધ જાહેર કરી રહ્યું છે.

ગત પાંચ ઑગસ્ટે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈને નાબૂદ કરી નાખી હતી.

આ પછી એક કાયદો પસાર કરીને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવામાં આવ્યું હતું.

આમાંથી એક કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ છે, જેના એક ભાગ પર ચીનનું નિયંત્રણ છે અને આ આખો વિસ્તાર ચીન પોતાનો હોવાનો દાવો કરે છે.

ચીનની પ્રતિક્રિયા શું રહી છે?

ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા ખ્વા ચૂનયિંગે ભારતના આ નિર્ણયને લઈને આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

તેમણે કહ્યું, “ચીન-ભારતની સરહદ પાસેના પશ્વિમ સૅક્ટરમાં ચીનના વિસ્તાર પર ભારત દ્વારા કરાયેલા જમીનસંપાદનનો ચીન હંમેશાંથી વિરોધ કરે છે.”

“આપણી આ કાયમી અને નિરંતર સ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો.”

ખ્વા ચૂનયિંગે આગળ કહ્યું, “પોતાના કાયદામાં ફેરફાર કરીને ભારતે ચીનના વિસ્તારના સાર્વભૌમત્વને નજરઅંદાજ કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે.”

“આ રીત સ્વીકાર્ય નથી અને આનો અમલ કરી શકાશે નહીં.”

આની વચ્ચે ભારતમાં રાષ્ટ્રવાદી નિવેદનોની સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ પગલાંનું સ્વાગત કર્યું છે.

કેટલાક નેતાઓએ આશા જાહેર કરી છે કે વિસ્તારનો જે ભાગ ચીન અને પાકિસ્તાનના નિયંત્રણમાં છે, તે પણ ભારતની પાસે આવી જશે.

આ નેતાઓએ આમાં ચીનના નિયંત્રણ હેઠળના લદ્દાખનો વિસ્તાર, અક્સાઈ ચીન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરનો સમાવેશ કર્યો.

‘ઇન્ડિયા ટુડે’એ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહને ટાંકતાં લખ્યું, “200 ટકા વિશ્વાસ છે કે પીઓકે અને અક્સાઈ ચીન પણ ટૂંક સમયમાં દેશમાં ભળી જશે.”

લદ્દાખને લઈને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું, “ભારત સરકારે લદ્દાખને (જેમાં ચીનના વિસ્તારનો સમાવેશ થાય છે) કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની ઘોષણા કરી છે તે ચીનની સાર્વભૌમત્વને ચેતવણી આપે છે અને સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે બંને દેશોની વચ્ચેની સમજૂતીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.”

કાશ્મીર મુદ્દે ખ્વા ચૂનયિંગે કહ્યું, “કાશ્મીરના મુદ્દે ચીનની સ્થિતિ સ્પષ્ટ અને એક જેવી છે.”

“આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આને લઈને સહમતિ છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશ્મીરનો મુદ્દો વર્ષોથી અટવાયેલો છે.”