મમતા માટે પ્રચાર કરી રહેલા અભિનેતાને ‘ભારત છોડો’ની નોટિસ ફટકારવામાં આવી

મુખ્ય સમાચાર રાજકીય

પશ્વિમ બંગાળમાં ચૂંટણી રેલીમાં ભાગ લેનારા બાંગ્લાદેશી અભિનેતા ગાજી અબ્દુલ નૂરને તરત જ ભારત છોડીને જતા રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ. ફિરદોસ અહમદ બાદ નૂર બીજા બાંગ્લાદેશી અભિનેતા છે. જેને ભારત છોડવાની નોટિસ આપવામાં આવી હતી. વીઝાની અવધિ પુરી થયા છતાં નુર ભારતમાં રોકાયા હતા. ગૃહ મંત્રાલયનાં એક અધિકારીએ જણાવ્યુ હતુ કે વીઝા નિયમોની વિરુદ્ધ વધુ સમય પર રોકાવા પર આ પગલું લેવામાં આવ્યુ હતુ.

નૂરે દમદમથી ટીએમસી ઉમેદવાર સૌગાત રાય માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. કેન્દ્ર સરકારે મંગળવારે અહમદને ભારત છોડોની નોટિસ જાહેર કરી હતી. અને એક રાજનિતીક દળ માટે પ્રચાર કરવા માટે તેમનો બિઝનેસ વીઝા રદ્દ કરી દીધો હતો. અહમદે પશ્વિમ બંગાળના રાયગંજમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારની રેલીમાં ભાગ લીધો હતો. બાંગ્લાદેશી અભિનેતા દ્વારા વીઝા નિયમોનાં ઉલ્લંઘન માટે બ્યૂરો ઓફ ઈમિગ્રેશનની રિપોર્ટનાં આધાર પર ગૃહ મંત્રાલયે આ પગલાં ભર્યા હતા. ભાજપે આ મામલે ઈલેક્શન કમિશનમાં પણ ફરિયાદ દાખલ કરી છે.