અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે : CM રૂપાણી

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૨૪-૨૬ ફેબ્રુઆરીમાં ગુજરાતના મહેમાન બનશે એ નિશ્ચિત બન્યું છે. પ્રેસિડેન્ટ તેમના ત્રણ દિવસ ભારતના પ્રવાસે આવી રહ્યા છે તેનો પ્રારંભ વિશ્વ વિભૂતિઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ એવા ગુજરાતથી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતે અમેરિકી પ્રમુખના સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને એમાંય પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઐતિહાસિક સાબરમતી આશ્રમની સાથોસાથ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરાનું ઉદ્‌ઘાટન કરનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશી મિત્રો પૈકીના અમેરિકીના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છેલ્લા છ વર્ષમાં એક ડઝનથી વધુ વખત મુલાકાત થઇ છે અને ખુદ મોદી પણ વ્હાઇટ હાઉસના મહેમાન બની ચૂક્યા છે આ બન્ને મહાનુભાવોની દોસ્તીને વિશ્વ એક અલગ નજરથી જુએ છે ત્યારે આ બન્ને મિત્રોએ ગયા સપ્ટેમ્બરમાં અમેરિકી વેપાર ઉદ્યોગ અને રાજકીય ક્ષેત્રે સૌથી મહત્વનું સ્થાન ધરાવતા ગુજરાતી સમાજના ઉપક્રમે યોજાયેલા ટેક્સાસમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર એક સાથે દેખાયા હતા. અહીં પીએમ મોદીએ ગુજરાતી અમેરિકી સમુદાયને સંબોધન કર્યું ત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સામે જનતા વચ્ચે જઇને બેઠાં હતા. ટ્રમ્પની પાર્ટીના તમામ કોંગ્રેસમેનોએ પણ મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. જાન્યુઆરી ૨૦૨૦માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેસિડેન્ટ સાથે રાજદ્વારી મુદ્દાઓ પર વાતચીત કરી ત્યારે તેમણે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.

હવે પ્રેસિડેન્ટ ટ્રમ્પ ગુજરાતવાસીઓને સંબોધી શકે એ માટે વિશ્વના સૌથી વિશાળ અને નવનિર્મિત ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ પર તેની પસંદગી ઉતારાઇ છે. આ સ્ટેડિયમ રૂ.૮૦૦ કરોડના ખર્ચે તૈયાર થયું છે અને ફેબ્રુઆરી મધ્ય સુધીમાં તે સંપૂર્ણ રીતે તૈયાર થઇ જશે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પના હસ્તે તેનું ઉદ્‌ઘાટન થશે આ ઉપરાંત અહીં ૧.૧૦ લાખ લોકોની ઉપસ્થિતિમાં ટ્રમ્પ ગુજરાત સહિત દેશભરની જનતાને અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો અંગે સંબોધન કરશે. અહીં નોંધવુ જરૂરી છે કે અમેરિકામાં ૨૦૨૦માં પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીમાં ગુજરાત, ભારતીય સમુદાયના મતદારો ઘણાં મહત્વના સાબિત થવાના છે.