નિર્ભયા કેસના દોષિતોને ફાંસી આપવા માટેનું નવું ડેથ વોરંટ જાહેર કરવા અંગે ટ્રાયલ કોર્ટમાં આજે બપોરે 2 વાગ્યે સુનવાણી કરવામાં આવશે. નિર્ભયાના માતા-પિતા દિલ્હી સરકારે આ માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટે જ ચારેય દોષિતોની ફાંસી પર અલગ અલગ આદેશ સુધી અટકાવી છે. દોષિત વિનય શર્મા, મુકેશ કુમાર સિંહ, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુરને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસી આપવાની હતી, પરંતુ 31 જાન્યુઆરીએ કોર્ટે આને અનિશ્વિતકાળ માટે ટાળી દેવાઈ હતી. બીજી બાજુ દોષિત વિનય શર્માએ દયા અરજી ફગાવવા માટે રાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેને પોતાને માનસિક રોગી ગણાવી ફાંસીને ઉંમરકેદમાં ફેરવવાની માંગ કરી છે.
ફાંસીથી બચવા દોષિત વિનયનો નવો પેંતરો
નિર્ભયાકાંડના ગુનેગારોને અલગ અલગ ફાંસી આપવાની માગ પર કેન્દ્ર અને દિલ્હી સરકારની અરજી પર સુપ્રીમકોર્ટે ચારેય દોષિતને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે. સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ સુનાવણીની ટ્રાયલ કોર્ટ દ્વારા નવું ડેથ વૉરંટ જારી કરવા પર અસર નહીં પડે. જસ્ટિસ આર. ભાનુમતિની અધ્યક્ષતા ધરાવતી જસ્ટિસ અશોક ભૂષણ અને એ.એસ. બોપન્નાની ખંડપીઠે આ મામલાની સુનાવણી 14 ફેબ્રુઆરીએ નક્કી કરી છે.
સુપ્રીમકોર્ટે નોટિસ જારી કર્યા પછી નિર્ભયાનાં માતા-પિતા અને દિલ્હી સરકારે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરીને નવું ડેથ વૉરંટ જારી કરવા અપીલ કરી છે. બાદમાં કોર્ટે પણ તમામ દોષિતને નોટિસ ફટકારી છે, જે મુદ્દે બુધવારે બપોરે બે વાગ્યા પછી સુનાવણી થશે. આ દરમિયાન ટ્રાયલ ફાંસીથી બચવા વિનયે પોતાને માનસિક રોગી ગણાવ્યો. નિર્ભયાકાંડના ગુનેગાર વિનય શર્માએ ફાંસીથી બચવા નવો પેંતરો અજમાવ્યો છે. તેણે દયાઅરજી ફગાવવાના રાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો છે. વકીલ એ.પી. સિંહ થકી દાખલ અરજીમાં તેણે કહ્યું છે કે હું માનસિક રીતે બીમાર છું, જેથી મને ફાંસી ના આપી શકાય. તિહાર જેલમાં સતત ટોર્ચર કરવાથી હું ઈમેન્સ સાઈકોલોજિકલ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છે. આ ઉપરાંત તેણે જેલમાં સારવારના દસ્તાવેજો આપીને ફાંસીની સજા આજીવન કારાવાસમાં બદલવાની માંગ કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 1 ફેબ્રુઆરીએ તેની દયાઅરજી ફગાવી દીધી હતી.
પ્રજાનો ન્યાયતંત્રમાં વિશ્વાસ ઘટી રહ્યો છે: કેન્દ્રની સુપ્રીમમાં રજૂઆત
કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમકોર્ટને કહ્યું કે ગુનેગારો ચોક્કસ વ્યૂહનીતિ હેઠળ કેસ લાંબો ખેંચી રહ્યા છે. તેમને એકસાથે ફાંસી આપવાના બદલે, અલગ અલગ ફાંસી આપવાની મંજૂરી આપવામાં આવે. આજે દુષ્કર્મીઓનું એન્કાઉન્ટર થાય તો પ્રજા ઉજવણી કરે છે. સજામાં મોડું થવાથી પ્રજાનો ન્યાયતંત્રમાં વિશ્વાસ પણ ઘટી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ છતાંયે ફાંસીમાં મોડું કરવા દોષિત પવન ગુપ્તાએ હજુ સુધી દયાઅરજી દાખલ નથી કરી.
આ મુદ્દે જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે તમે જે માગી રહ્યા છો તેનાથી તો મામલો હજુ વધુ લંબાશે કારણ કે, આ પ્રકારની માગ યોગ્ય છે કે નહીં તે મુદ્દે કાયદાકીય રીતે વિચાર કરવામાં સમય લાગી શકે છે.

