વડોદરાના કમાટી બાગ ઝૂ ખાતે છેલ્લા કેટલાય સમયથી આકર્ષણનું કેન્દ્ર બનેલી હિપોપોટેમસની જોડી તૂટી છે. ઇંદોરના ઝૂમાંથી એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2016માં આવેલી હિપ્પોની પેર ડિમ્પી અને ચુન્નુ વચ્ચે ઇનફાઇટ થઈ હતી જેમાં ડિમ્પી કરેલા હુમલામાં ચુન્નુ મોતને ભેટ્યો હતો. ડિમ્પી અને ચુન્નુનું બેબી હિપ્પો જન્મતા હિપોના એનક્લોઝરમાં જાળી મૂકી બંનેને અલગ રખાયા હતા. અગાઉ બચ્ચુ જન્મ્યું ત્યારે ચુન્નુંએ હુમલો કરી તેને મારી નાખ્યું હતું તેથી આ વખતે ઝૂ સત્તાધીશોએ બંને હિપોને અલગ કરી દીધા હતા. જોકે, અગમ્ય કારણોસર સોમવારે રાત્રે ડિમ્પીએ ચુન્નુના એનક્લોઝરની જાળી તોડી તેમાં પ્રવેશ કર્યો હતો. ડિમ્પીએ કરેલા હુમલાના કારણે ચુન્નુના શરીર પર ઉજરડાના નિશાન પડી ગયા હતા. વહેલી સવારે ચુન્નુ પાછળનો પગ ભાંગી ગયો હોવાથી ઊભો થઈ શકતો નહોતો જેથી તેને ક્રેનની મદદથી ઊભો કરવામાં આવ્યો હતો જોકે, ચુન્નું બપોર બાદ આ હુમલાના કારણે મોતને ભેટ્યો હતો. જંગલમાં પ્રાણીઓ વચ્ચે થતી ઇનફાઇટ સામાન્ય બાબત છે પરંતુ ઝૂમાં આ પ્રકારે પહેલી વાર ઇનફાઇટમાં હિપોનું મોત થતા વડોદરાના કમાટી બાગના ઝૂના સત્તાધીશો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

