કાળઝાળ ગરમીથી રાજ્ય સેકાઈ રહ્યું છે, ત્યારે બળતામાં ઘી હોમવા જેવી ઘટનાઓ સામે આવી છે. દમણના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આજે સવારે એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી થોડી ક્ષણોમાં બાજુમાં આવેલી બે કંપની સુધી પ્રસરી ગઈ હતી.
બનાવની વિગત અનુસાર દમણના ડાભેલ વિસ્તારમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી રીટા ઇન્ટરનેશનલના ગોડાઉનમાં રાખેલા પ્લાસ્ટીકમાં આગ આગ ભભૂકી ઉઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી થોડી ક્ષણોમાં બાજુમાં આવેલી મિલન અને ક્રિએટીવ ગાર્મેન્ટ નામની કંપનીઓ પણ ચપેટમાં આવી ગઇ છે.
આગના કારણે કંપનીનું બોઇલર પણ ફાટી ગયું છે. ઘટનામાં બે લોકોને સામન્ય ઇજા થઇ છે. આગ પર કાબુ મેળવા માટે વાપી અને દમણની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.
આગ એટલી વિકરાળ હતી કે ત્રણથી ચાર કિલોમીટર સુધી ધૂમાડા દેખાતા હાત. આગાના કારણે લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો.