છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં એશિયાટિક સિંહોના મોતમાં વધારો થઈ રહ્યો હોવા છતાં સિંહના સંવર્ધન પર રાજ્ય સરકાર કોઈ અસરકાર પગલાં લઈ શકી નથી. ગીરના સિંહોના રક્ષણ પ્રત્યે ગુજરાત સરકાર તો ઠીક કેન્દ્રની મોદી સરકાર પણ ઉદાસીન છે. આ અંગે આજે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના સવાલનો ઉત્તર આપતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત સંકલિત વન્યજીવન રહેણાંક વિકાસ યોજના (સી.એસ.એસ.-આઇ.ડી.ડબલ્યુ.એચ.) હેઠળ કેન્દ્ર સરકારે પાછલાં ત્રણ વર્ષોમાં સિંહના સંવર્ધન માટે રૂ. 23.16 કરોડ, હાથી માટે રૂ. 75.86 કરોડ અને વાઘ માટે રૂ.1010.69 કરોડ આપ્યા છે. ભારત સરકારે ગુજરાત સરકાર સાથે મળીને કુલ રૂ. 97.85 કરોડના અંદાજપત્ર ધરાવતા એક પ્રોજેક્ટ એશિયાટીક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે.
વર્ષ દીઠ સિંહ, વાઘ અને હાથી માટે કેટલા રૂપિયા ફાળવ્યા
સાંસદ પરિમલ નથવાણીના સવાલનો ઉત્તર આપતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ રાજ્યસભાના પ્રશ્નોતરી કાળ દરમિયાન જણાવ્યું કે, મંત્રીના નિવેદન અનુસાર, કેન્દ્ર સરકારે આ યોજના અંતર્ગત એશિયાઇ સિંહોના સંવર્ધન માટે વર્ષ 2016-17, 2017-18 અને 2018-19માં અનુક્રમે રૂ. 1.09 કરોડ, રૂ. 2.24 કરોડ અને રૂ. 19.83 કરોડ આપ્યા હતા. તેવી જ રીતે, સી.એસ.એસ.-પ્રોજેક્ટ એલિફન્ટ અંતર્ગત રૂ. 21.20 કરોડ, રૂ. 24.90 કરોડ અને રૂ. 29.76 કરોડ આ જ સમયગાળામાં આપ્યા હતા. સી.એસ.એસ.-પ્રોજેક્ટ ટાઇગર અંતર્ગત રૂ. 342.25 કરોડ, રૂ. 345 કરોડ અને રૂ. 323.44 કરોડ છેલ્લાં ત્રણ વર્ષમાં આપ્યા હતા.
વન વિભાગે એશિયાઇ સિંહોના સંવર્ધન માટે લીધેલાં પગલાંઓ, છેલ્લાં ત્રણ વર્ષમાં એશિયાઇ સિંહોની સાથે-સાથે વાઘ અને હાથીઓના સંવર્ધન માટે આપવામાં આવેલી રકમ અને સરકાર સિંહો અને હાથીઓના નિદાન માટે આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાનું નિર્માણ કરવા વિચારી રહી છે કે કેમ તે અંગે સાંસદ પરિમલ નથવાણી જાણવા માંગતા હતા.
વધારાનો 236.73 કિમીનો વિસ્તાર સિંહના વસવાટ માટે જાહેર કર્યો
મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ગીરમાં એશિયાઇ સિંહોના રક્ષણ માટે ગુજરાત સરકારે કાયદાકીય, વહિવટી અને નાણાંકીય જોગવાઈઓ કરી છે. કાયદાકીય જોગવાઈમાં વધારાના સિંહ વસવાટ વિસ્તારને અભયારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવાનો સમાવેશ થાય છે. નાણાંકીય જોગવાઈઓ રક્ષણ અને તકેદારી, માળખાકીય સુવિધાઓ, પરિવહન/સંવાદ, આરોગ્ય માટેની માળખાકીય સુવિધાઓ અને માનવ-પ્રાણી ઘર્ષણ ઘટાડવાનાં પગલાંઓ માટે કરવામાં આવી છે. રાજ્યના વન વિભાગે વન્યજીવન (રક્ષણ) કાનૂન, 1972 અન્વયે પાણિયા, મિતિયાળા અને ગીરનારને અભયારણ્ય તરીકે જાહેર કરીને વધારાનો 236.73 કિલોમીટરનો વિસ્તાર સિંહના વસવાટ તરીકે જાહેર કર્યો છે, એમ તેમણે જણાવ્યું.
ગુજરાત સરકારે સિંહો માટે પાંચ વર્ષમાં 231 કરોડ ફાળવ્યા
મંત્રીએ જણાવ્યા મુજબ, ગુજરાત સરકારે સિંહોના સંવર્ધન માટે પાંચ વર્ષના ગાળા માટે રૂ. 231.00 કરોડની ફાળવણી કરી છે, જેમાં માનવ-પ્રાણી ઘર્ષણમાં ઘટાડો કરવા પર ભાર મૂકાશે. તેમાં નવા બચાવ કેન્દ્રો, બચાવ ટીમો, ત્વરીત પ્રતિભાવ ટીમ, વર્તમાન રક્ષણ અને તકેદારી માળખાને મજબૂત બનાવવું, પરિવહન/સંવાદ માળખાકીય સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. રાજ્ય વન વિભાગે ત્રણ વર્ષનું માનવબળ અને સાધનો સહિતનું વાઇલ્ડ લાઇફ હેલ્થ કેર એન્ડ વેટરનરી સપોર્ટ ટીમ પેકેજ જાહેર કર્યું છે.

