ઓઇન મોર્ગનની આક્રમક બેટ્સમેનથી સજ્જ ઇંગ્લેન્ડની ટીમ છેલ્લા 44 વર્ષના ટાઇટલના દુકાળનો અંત આણવા થનગની રહી છે તો બીજી તરફ શાંત પરંતુ પ્રતિભા સંપન્ન ન્યૂઝીલેન્ડની ટીમ છે જેની પાસે જુસ્સાની કોઈ કમી નથી અને પ્રતિભામાં પણ જરાય ખોટ નથી. આ બંને ટીમ રવિવારે ઐતિહાસિક લોર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાશે ત્યારે ક્રિકેટ જગતને નવો વર્લ્ડ ચેમ્પિયન મળશે તે નક્કી છે. ઇંગ્લેન્ડ તેના ઘરઆંગણે રમી રહ્યું છે અને ચોથી વાર ફાઇનલ રમવા જઈ રહ્યું છે. આ બે બાબત જ તેને રવિવારની મેચ માટે ફેવરિટ બનાવી દે છે. એ સિવાય ન્યૂઝીલેન્ડની ટીમે આ ટુર્નામેન્ટમાં એટલો જ મજબૂત દેખાવ કર્યો છે. આમ મુકાબલો રોમાંચક બનવાની પૂરી સંભાવના છે. બપોરે 3.00 કલાકે મેચનો પ્રારંભ થશે.
1979માં ઇંગ્લેન્ડ પહેલી વાર વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યું હતું અને છેલ્લે 1992ની ફાઇનલમાં તેનો પરાજય થયો હતો. ત્યાર બાદ તે ક્યારેય ફાઇનલમાં પ્રવેશ્યું નથી પરંતુ આ વખતે તેણે લગભગ તમામ મેચમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે તેના પરાજય થયા હતા પરંતુ સેમિફાઇનલમાં તેણે ઓસ્ટ્રેલિયાને સજ્જડ પરાજય આપ્યો હતો. લીગ મેચમાં તેનો ભારત સામે વિજય થયો હતો જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ લીગ મેચમાં પણ તેનો શાનદાર વિજય થયો હતો.
રવિવારનો એકમાત્ર એવો દિવસ રહેશે જ્યારે ઇંગ્લેન્ડમાં ફૂટબોલની સરખામણીએ ક્રિકેટનું મહત્વ વધી જશે. તમામની નજર લોર્ડ્ઝ પર રહેશે.

