બગદાદીની અંતિમ ક્ષણો અંગે ટ્રમ્પનો દાવો : તે ભયભીત થઈને ચીસો પાડતો હતો, રડતો હતો, કાયરની માફક મર્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અબુ બક્ર અલ બગદાદીને ઉત્તર-પશ્ચિમી સિરીયામાં અમેરિકાના વિશેષ દળોના હુમલામાં મારી નાંખવામાં આવ્યો છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સાથે એવો પણ દાવો કર્યો હતો કે ક્રુર સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) નો સરગના અને દુનિયાનો નંબર વન આતંકવાદી બગદાદી એક કાયરની માફક મર્યો હતો. અમેરિકી ફોજની તાલીમબદ્ધ ડોગ સ્ક્વોડના 9 કુતરાએ બગદાદીનો પીછો કરીને તેને એક તરફથી બંધ એવી સુરંગમાં ધકેલી દીધો હતો. બંધ સુરંગમાં પીછો કરી રહેલા કૂતરાંઓ દ્વારા મોતનો ભોગ બનવાને બદલે આખરે બગદાદીએ પોતાના જેકેટમાં બાંધેલ વિસ્ફોટકોને પલિતો ચાંપીને પોતાના સહિત ત્રણેય દીકરાઓને ઉડાવી દીધા હતા. ટ્રમ્પના દાવા પ્રમાણે, અંતિમ ક્ષણોમાં એ પાગલની જેમ ચીસો પાડીને રડતો હતો અને મોતના ખોફથી ભયભીત હતો.

ટ્રમ્પે કહ્યું હતું કે આ અભિયાનમાં અમેરિકાના પક્ષે એક પણ સૈનિકને કોઈ નુકસાન થયું નથી. પરંતુ બગદાદીના અનેક સમર્થક માર્યા ગયા હતા અને કેટલાકને પકડી લેવામાં આવ્યા છે.

ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ અને અન્ય સૈન્ય અધિકારીઓ સાથે વ્હાઈટ હાઉસથી અભિયાનનું સીધુ પ્રસારણ જોયું છે. વિસ્ફોટ કરીને બગદાદીએ શરીરને ક્ષત-વિક્ષત કરી નાંખ્યું, પરંતુ ડીએનએ તપાસમાં તેની ઓળખની પૃષ્ટી થઈ હતી.

કુતરાના મોતે મર્યો બગદાદી

બગદાદી તેના અંતિમ સમયમાં રડી રહ્યો હતો અને બુમો પાડતો હતો. અમારી સેનાએ તેની પાછળ ડોગ સ્ક્વોડ મોકલીને પીછો કર્યો હતો. છેવટે તે દોડીને એક ગુફામાં જતો રહ્યો હતો. આ સમયે તેણે તેના ત્રણ સંતાનોને પણ સાથે રાખ્યા હતા, જ્યારે બગદાદીને તેનું મોત નજીક આવતુ દેખાયું ત્યારે કુતરાઓનો શિકાર બનવાને બદલે પોતાને વિસ્ફોટક જેકેટથી ઉડાવી દીધા. શક્તિશાળી વિસ્ફોટ થવાથી બગદાદી અને તેના ત્રણેય બાળકો પર ટનબંધ કાટમાળ પડ્યો હતો અને ગુફા તેમની પર તૂટી પડી હતી.