રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલના નેતૃત્વવાળી સમિતિ આગામી ત્રણ અઠવાડિયામાં દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક માટે નિયમાવલીને અંતિમ રુપ આપશે. જે થકી સરકારને જાન્યુઆરી સુધી એકીકૃત સેન્ય સલાહકાર મળવાનો રસ્તો મોકળો થશે. સૈન્ય સલાહકારની ભલામણ 1999માં કારગિલ સમીક્ષા સમિતિએ કરી હતી.
સેનાના સત્તાવાર સૂત્રો મુજબ આર્મી, નૌકાદળ અને વાયુસેના પેહલાથી જ આ નવા પદ માટે તેમના વરિષ્ઠ કમાન્ડરોના નામની ભલમાણ સરકારને આપી ચૂકી છે. સીડીએસ નિમણૂક કરવાનો મુખ્ય હેતુ ભારત સામે આવનાર સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે ત્રણેય પાંખો વચ્ચે તાલમેલ વધારવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે ઐતિહાસિક સૈન્ય સુધારા વિશે જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતની ત્રણેય સેના માટે એક પ્રમુખ હશે, જેને CDS કહેવામાં આવશે.
વડાપ્રધાનની જાહેરાત પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલના નેત્તૃત્વમાં એક સમિતિની રચના કરી હતી જે સીડીએસની નિમણૂક માટે નિયમાવલી અને તેમની જવાબદારીઓને માળખુ તૈયાર કરે. સૂત્રો મુજબ સમિતિએ પ્રાથમિક કામગીરી પૂર્ણ કરી લીધી છે અને આગામી ત્રણ અઠવાડિયા દરમિયાન ચોક્ક્સ માળખાની રજૂઆત કરશે.
સેના પ્રમુખ બિપિન રાવત આ પદની રેસમાં સૌથી આગળ છે તેઓ 31 ડિસેમ્બરે નિવૃત્ત થઇ રહ્યા છે. સૂત્રો મુજબ સમગ્ર પ્રક્રિયા યોજના મુજબ ચાલતી રહેશે તો સરકાર તેમને નિવૃત્ત થયા પહેલા જ દેશના પહેલા સીડીએસ જાહેર કરી શકે છે.
સીડીએસનું પદ ‘ફોર સ્ટાર’ જનરલ પદથી સમકક્ષ હશે અને બધા જ સેના પ્રમુખોમાં સૌથી ઉપર હશે. પ્રોટોકોલ મામલે પણ સીડીએસ સૌથી ઉપર હશે.
સીડીએસ મુખ્યત્વે રક્ષા અને રણનીતિ મામલાઓમાં વડાપ્રધાન અને રક્ષા મંત્રીના એકીકૃત સૈન્ય સલાહકારના રુપમાં કાર્યરત રહેશે.
1999માં કારગિલ યુદ્ધને ધ્યાનમાં રાખીને સુરક્ષા પ્રણાલીમાં ખામીઓનું અવલોકન કરવા માટે રચવામાં આવેલી સમિતિએ રક્ષા મંત્રીના એકીકૃત સૈન્ય સલાહકારના રુપમાં સીડીએસની નિમણૂક કરવાની ભલામણ કરી હતી.

