અમદાવાદ / મેમનગર હિટ એન્ડ રનઃ ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે ડ્રાઇવર કેમ ગયો તે મને ખબર નથી

ગુજરાત

શહેરના મેમનગરમાં ગઇકાલે થયેલા હિટ એન્ડ રનમાં કાર MLA શૈલેષ પરમારની હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ધારાસભ્ય શૈલેષ પરમારે આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે ડ્રાયવર કેમ ગયો તે મને ખબર નથી. ધારાસભ્યએ કહ્યું કે અકસ્માત સમયે ડ્રાઇવર એકલો જ હતો. જ્યારે અકસ્માતનો ભોગ બનનાર પરિવારને મળવા હું ચોક્કસ જઇશ તેમ જણાવ્યું. આ સાથે શૈલેષ પરમારે કહ્યું કે ડ્રાઇવર ક્યાં છે તેની મને ખબર નથી. જો કે ગઇકાલે અકસ્માત બાદ ડ્રાઇવર ગાડી સાથે ફરાર થઇ ગયો છે ત્યારે શૈલેષ પરમાર પાસે રેકોર્ડ હોવા છતાં ડ્રાઇવર કેવી રીતે ફરાર થઇ ગયો તેને લઇને એક સવાલ છે. જો કે ડ્રાઇવર ફરાર થઇ ગયા બાદ સવાલ થાય છે કે શું ખરેખર ડ્રાઇવર ભાગી ગયો કે ભગાડવામાં આવ્યો ? શૈલેષ પરમારે કહ્યું કે ડ્રાયવરને હું અને પોલીસ બંને શોધી રહ્યાં છીએ. અમદાવાદના મેમનગરમાં હીટ એન્ડ રનની ઘટના બાદ પોલીસ દ્વારા ધારાસભ્યને બચાવવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. શૈલેષ પરમારની ગાડી હોવા છતાં ફરિયાદમાં તેમના નામનો ઉલ્લેખ કરાયો નથી. પોલીસ દ્વારા ફરિયાદમાં માત્ર ગાડીનો નંબર લખવામાં આવ્યો છે.પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં ગાડી નંબર અને અજાણ્યા ડ્રાઈવરનો ઉલ્લેખ કરાયો છે. નિયમ પ્રમાણે ફરિયાદમાં કાર માલિકના નામનો ઉલ્લેખ કરવાનો હોય છે. જોકે પોલીસ દ્વારા ફરિયાદમાં ગાડીના માલિક શૈલેષ પરમારના નામનો ઉલ્લેખ કરાયો નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે હજુ સુધી શૈલેષ પરમારનો સંપર્ક પણ કર્યો નથી. ઘટનાને આટલો સમય વિત્યા બાદ પણ પોલીસે તપાસ શરૂ કરી નથી.