ગુજરાતમાં કમોસમી વરસાદથી કરોડોનો પાક ધોવાયો, મગફળી, કપાસ અને ડાંગરના પાકને ભારે નુકસાન

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતમાં આ વર્ષે 145 ટકા વરસાદ ખાબકતા 20થી વધુ જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ચોમાસાની વિદાય બાદ પણ સાયક્લોનની અસર વચ્ચે વધુ એક સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેડૂતોની સ્થિતિ વધુ ગંભીર બની છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં ઊભા પાકને કરોડોનું નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અમદાવાદ જિલ્લાના આસપાસના ગામના ખેડૂતોનાં મગફળી, કપાસ અને તલના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર સામે સર્વે કરી નુકસાન ભરપાઈ કરવાની માગ કરી છે.

કમોસમી વરસાદથી 30થી 40 કરોડના પાકને નુકસાનનો અંદાજ
ક્યાર વાવાઝોડાની અસર અને વધુ એક લો-પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાતાં રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવાર સાંજથી 29 જિલ્લાનાં 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વરસાદની વિદાય બાદ પણ કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, જેતપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદથી પડધરીની આસપાસના ગામો સૌથી વધુ પ્રભાવિત થયા છે. પડધરી તાલુકાના 62 ગામોમાં નુકસાન થયુ છે. ડાંગરનો પાક લેનારા ખેડૂતોની માઠી દશા થઇ છે. વરસાદથી 30થી 40 કરોડના નુકસાનનો અંદાજ છે. સુરતમાં અંદાજે 2 લાખ હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર કરાયું છે. ત્યારે છેલ્લા 3 દિવસના વરસાદથી 20થી 25 ટકા પાકને નુકસાન થયું છે. એક સિઝનમાં અંદાજે 250 કરોડની ડાંગર થાય છે. ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

આણંદમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ
સોમવાર સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ત્યારબાદ ગઈકાલે ફરી મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. મહીસાગરનાં લુણાવાડા સહિતનાં અનેક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી ડાંગરના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 4.30 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ 4.52 ઇંચ વરસાદ આણંદમાં પડ્યો છે. જે બાદ વઠવાણમાં 4.08 ઈંચ, લખતરમાં 2.92 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સાયલા, વાંકાનેર, ચુડા, ટંકારા, દેહગામ, નાંદોદ, બાયડ, છોટાઉદેપુર, અંકલેશ્વર, વાસો, ધંધુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં ખેડૂતોના ઉભા પાકમાં સાર્વત્રિક પાણી
રાજકોટમાં એક જ કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ખેડૂતોનાં ઉભા પાકમાં પાણી પાણી થઇ ગયું છે. ખેડૂતોને પાકનું ઘણું નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જેતપુરમાં 37 મિમી, પડધરી – 26 મિમી વરસાદ નોંધાયો છે. મોરબીમાં સાર્વત્રિક બે ઈંચ વરસાદ નોંધાયો છે. મોરબી, હળવદ, ટંકારા, વાંકાનેર, માળીયા મિયાણા પંથકમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે.

ઉપરવાસમાં વરસાદથી અરવલ્લીના ડેમ ફરી છલકાયા
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતરમાં મગફળી અને કપાસના પાક સાવ બગડી ગયો છે. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. આંકડા પ્રમાણે બાયડ અને મોડાસામાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. ધનસુરામાં એક ઇંચ વરસાદ જ્યારે માલપુર અને મેઘરજમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદથી માજુમ અને વાત્રક ડેમ ફરી છલકાયા છે. માજુમ ડેમમાંથી એક દરવાજો ખોલી 500 ક્યુસેક પાણી છોડાયું જ્યારે વાત્રક ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
સમગ્ર અમદાવાદમાં છેલ્લા એક કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના નવરંગપુરા, લો ગાર્ડન, શ્યામલ સહિત એસજી હાઇવે પર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. આ ઉપરાંત ખોખરા, હાટકેશ્વર, સી.ટી. એમ, અમરાઈવાડી, વસ્ત્રાલ, રામોલ, વટવા, ઈસનપુર, નારોલ, બાપુનગર, રખિયાલ, નરોડા, મેમ્કો, ઓઢવ, કાલુપુર, સારંગપુર, રાયપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હજુ ચાર દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.