દેશના સૌથી ધનિક વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીને ઉત્તરાખંડમાં ભાજપ સરકારે બદ્રીનાથ-કેદારનાથ મંદિર કમિટીના સભ્ય તરીકે નિમ્યા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે આ નિમણૂક કરી છે. ચાર ધામમાં સામેલ આ મંદિરનું સમસ્ત મેનેજમેન્ટ આ કમિટી કરે છે, જેમાં અનંતને જગ્યા મળી છે. અનંત અંબાણી મુકેશના નાના દીકરા છે. ઉત્તરાખંડના ચારેય ધામમાંથી એક કેદારનાથ ધામ મંદિરના કપાટ અંદાજે છ મહિના સુધી બંધ રહ્યા બાદ 9મી મેના રોજ ફરીથી ખૂલશે. અધિકારીઓએ મહાશિવરાત્રિના દિવસે આ માહિતી આપી. કપાટ ખોલ્યાની તારીખ અને સમયની જાહેરાત મહાશિવરાત્રીના અવસર પર રૂદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં કરાઇ. પૂજારીઓએ મંત્રોચ્ચાર અને શંખધ્વનિની વચ્ચે આ જાહેરાત કરી. બદ્રીનાથ-કેદારનાથ મંદિરના એક અધિકારીએ કહ્યું કે કેદારનાથ મંદિર 9મી મેના રોજ સવારે 5.35 વાગ્યે ફરીથી ખૂલશે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, અને યમનોત્રી જેને સામૂહિક રીતે ચારધામ કહેવાય છે. દર વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં બંધ થઇ જાય છે અને છ મહિનાના અંતરાલ બાદ એપ્રિલ-મે મહિનામાં ફરીથી ખોલી દેવાય છે.

