હાર્દિક પટેલ આગામી 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર આગામી 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 12મીએ રાહુલ ગાંધીની હાજરીમાં અમદાવાદમાં યોજાનારી જનસંકલ્પ રેલીમાં આ પાસ નેતા કોંગ્રેસમાં જોડાય તે માટે ચક્રો ગતિમાન થયાં છે તેમ કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. પાસ નેતા હાર્દિક પટેલ 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે. એવું બને કે જો આ દિવસે નહિ જોડાય તો લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષમાં જોડાશે તે તો નક્કી જ છે. ખુદ હાર્દિક પટેલે પણ કોંગ્રેસમાં જોડાવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. એટલું જ નહિ પરંતુ લોકસભાની જામનગર અથવા તો મહેસાણા બેઠક પર ચૂંટણી લડવાની પણ હાર્દિકે કોંગ્રેસ સમક્ષ માગણી કરી છે. સમગ્ર મામલે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે સીધો વાર્તાલાપ થયો છે. એવું પણ બની શકે કે, જો કોંગ્રેસ હાઈકમાન્ડ લોકસભા ચૂંટણી લડાવવા માટે તૈયાર ના થાય તો ઊંઝાની પેટા ચૂંટણી માટે પણ ઓફર કરી શકે તેમ છે. કોંગ્રેસ પણ હાર્દિકને પક્ષમાં વિધિવત્ રીતે જોડવા માટેના કામમાં લાગી ગઈ છે. મહત્ત્વનું છે કે, થોડાક દિવસ પહેલાં ખુદ પાસ નેતાએ લોકસભા ચૂંટણી લડી શકે તેવી જાહેરાત કરી હતી. જોકે કઈ બેઠક કે કયા પક્ષથી તે વિશે ફોડ પાડયો ન હતો.