વડાપ્રધાન મોદીના જીવન પર આધારિત બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ હવે 24 મે 2019ના લોકસભા ચૂંટણીના પરિણામના એક દિવસ પછી રિલીઝ કરાશે તેમ ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમમાં વિવેક ઓબેરયો વડાપ્રધાન મોદીની ભૂમિકામાં છે. અગાઉ વડાપ્રધાન મોદી પર આધારિત બાયોપિક 11 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી પરંતુ આચારસંહિતાને પગલે ચૂંટણી પંચે તેના પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
ગત મહિને ચૂંટણી પંચે આ ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકતો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે કોઈ એક વ્યક્તિ અથવા પક્ષને મદદ થાય તેવી ફિલ્મને ચૂંટણી સમયે માસ મીડિયામાં રિલીઝ કરી શકાય નહીં. જો કે હવે ફિલ્મ 24 મેના રિલીઝ થશે તેમ ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે જણાવ્યું હતું.
‘દેશના જવાબદાર નાગરિક તરીકે અમે કાયદાનું સન્માન કરીએ છે. વિસ્તાપૂર્વક કરેલી ચર્ચા અને લોકોની ઉત્કંઠા અને ઉત્તેજનાને ધ્યાનમાં રાખીને અમે લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ જ આ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. આશા છે કે ફિલ્મ સફળતાપૂર્વક રજૂ થાય અને લોકોને પસંદ પડે,’ તેમ સિંહે વધુમાં જણાવ્યું હતું. આ ફિલ્મમાં વિવેદ ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય અને આનંદ પંડિત સહ નિર્માતા છે.

