ઓડિશામાં હાલ છેલ્લાં 20 વર્ષનું સૌથી ભયાનક વાવાઝોડું ‘ફોની’ ત્રાટક્યું છે. જે ઓડિશાની સાથેસાથે આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને પણ અસર કરશે. આશરે 10 લાખથી પણ વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને નૅવી તથા કૉસ્ટગાર્ડને ઍલર્ટ પર રાખવામાં આવ્યાં છે. એનડીઆરએફ અને ઓડીઆરએએફની ટીમોને પણ રાહત કાર્ય માટે તહેનાત કરી દેવામાં આવી છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા અને ઓડિશામાં આવેલા આ વાવાઝોડાને ‘ફોની’ નામ આપવામાં આવ્યું છે.
2014માં આવેલા વાવાઝોડાને ‘હુદુદ’, 2017માં આવેલા વાવાઝોડાને ‘ઓખી’ અને 2018માં આવેલાં બે વાવાઝોડાંને ‘તિતલી’ અને ‘ગાજા’ નામ આપવામાં આવ્યાં હતાં. દરેક ટ્રૉપિકલ સાયક્લોન જ્યાંથી ઉદ્ભવે છે, તે વિશ્વની તમામ જગ્યાઓ માટે વાવાઝોડાંનાં વારાફરતી નામ બદલાતાં રહે તેની એક યાદી તૈયાર કરાઈ હોય છે. આ રીતે બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી પેદા થતાં વાવાઝોડાંનાં નામ માટે 2004માં આઠ દેશોનું એક ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રૂપને WMO/ESCAP નામથી ઓળખવામાં આવે છે.
દરેક દેશ 8 નામ આપે છે એટલે કુલ 64 નામ થાય છે. જેમને એક 8×8 કૉલમના ટેબલમાં ગોઠવવામાં આવે છે. જે બાદ આ ટેબલ અનુસાર વારાફરતી નામ પાડવામાં આવે છે. આ વાવાઝોડાનું નામ ‘ફોની’ બાંગ્લાદેશે સૂચવ્યું હતું અને હવે પછીના વાવાઝોડાનું નામ ‘વાયુ’ હશે જે ભારતે સૂચવ્યું હતું.