જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ભારે ગોળીબાર ચાલુ છે. આ બધા વચ્ચે પાકિસ્તાનનો એક વીડિયો આવ્યો છે જેમાં જોવા મળી રહ્યુ છે કે પાકિસ્તાની સેના, ભારત તરફથી આપવામાં આવેલા જવાબમાં માર્યા ગયેલા પોતાના બે સૈનિકોના શબ લેવા સફેદ ઝંડા બતાવી રહી છે. પાક તરફથી શનિવારે એલઓસી પર સ્થિત સ્કૂલોને નિશાન બનાવવામાં આવી. સૂત્રો તરફથી જણાવવામાં આવી રહ્યુ છે કે પાક સેનાના ગોળીબારમાં સ્કૂલોના બાળકો ફસાયેલા છે. પાક સેનાએ પોતાના જે સૈનિકોના શબ લેવા માટે સફેદ ઝંડા બતાવ્યા તેમના મોત 11 સપ્ટેમ્બરના રોજ થયા હતા. પાક તરફથી થયેલા ફાયરિંગનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને આ દરમિયાન પાક સેનાના બે સૈનિક ઠાર મરાયા. બુધવારે માર્યા ગયેલા પોતાના સૈનિકોની લાશ લેવા માટે પાકે શનિવારે એક્શન લીધી. સફેદ ઝંડા એક રીતે સમર્પણનુ પ્રતીક હોય છે. પાંચ ઓગસ્ટના રોજ જ્યારે ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી છે ત્યારથી જ સતત સીમા પર તણાવ ચાલી રહ્યો છે. પાક સેના તરફથી રોજ યુદ્ધવિરામ તોડવામાં આવી રહ્યુ છે અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવારે પાકે રહેણાંક વિસ્તારો પર મોર્ટાર ફેંક્યા છે. 14 સપ્ટેમ્બરના રોજ પાકે જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં આવતા બાલાકોટ અને મેંઢર સેક્ટરમાં ફાયરિંગ શરૂ કરી દીધુ. સેનાની ચોકીઓ ઉપરાંત ગામો પર પણ ફાયરિંગ કરવામાં આવ્યુ. સેના તરફથી પાકની આ હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. બુધવારે પાકે હાજિપુર સેક્ટરમાં ફાયરિંગ કર્યુ હતુ. આ ફાયરિંગમાં પાક સેનાના બે સૈનિક માર્યા ગયા હતા. આઠ સપ્ટેમ્બરે પણ પાકે રાજૌરીના નૌશેરા અને સુંદરબની સેક્ટરમાં ફાયરિંગ કર્યુ હતુ. એ સમયે પાકે 24 કલાકની અંદર પાંચમી વાર યુદ્ધવિરામ તોડ્યુ હતુ.
