કોંગ્રેસ, ભીલીસ્થાન ટાઇગર સેના અને બિનસચિવાલય ક્લાર્કના પરીક્ષાર્થીઓ દ્વારા વિધાનસભા ઘેરાવના એલાન બાદ વિરોધને રોકવા માટે આવતીકાલ સોમવારે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ જશે. સોમવારથી વિધાનસભાનું સત્ર શરૂ થઇ રહ્યું છે જેથી ગાંધીનગરમાં 6 SP, 25 DySP, 40 PI, 125 PSI સહિત 1500 પોલીસના જવાનો તૈનાત રહેશે. ગાંધીનગરમાં પ્રવેશના અલગ-અલગ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસની રહેશે ચાંપતી નજર રહેશે. ધારાસભ્ય સિવાય અન્ય કોઈને વિધાનસભામાં પ્રવેશ નહીં અપાય.
કોંગ્રેસને રેલીની મંજૂરી ન અપાઇ
ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રેલી માટે કોંગ્રેસ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી. જે આપવામાં આવી નથી. જો વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે તો તેમને રોકવામાં આવશે.
ભીલીસ્થાન ટાયગર સેનાએ વિધાન સભાનો ઘેરાવની ચિમકી આપી
ગુજરાત રાજ્યની 5350 જેટલી પ્રાથમિક શાળાઓને મર્જ ન કરવાના મુદ્દે સોમવારે ભીલીસ્થાન ટાયગર સેના (BTP) દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જેના પગલે વલસાડ રૂરલ પોલીસે વલસાડ જિલ્લા ટાયગર સેનાના પ્રમુખ જુતુ પટેલને નજર કેદ કર્યા છે. વલસાડ જિલ્લાના ભીલીસ્થાન ટાઇગર સેનાના હોદ્દેદારોને નજર કેદ કરવાની તજવીજ હાથ ધરી છે. રેલી પહેલા જ આજે BTPના 20 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જેથી BTPના અધ્યક્ષ મહેશ વસાવાએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે ગમે તેટલા અમારા કાર્યકરોની અટકાયત કરે ગાંધીનગર ખાતે વિરોધ રેલી યોજાશે. શાળાઓને મર્જ કરી આદિવાસીઓના છોકરાઓને અભણ રાખવાનો સરકારનો કારસો છે. આવતી કાલે 11 વાગ્યે ગાંધીનગરના બિરસામુંડા ભવન ખાતેથી રેલી નિકળશે.

