ધોરણ ૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦,ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સ સહિતના તમામ પેપરો એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે આજે વિવિધ જિલ્લાઓમાં મળીને ૨૧ જેટલા કોપી કેસ નોંધાયા હતા.જ્યારે જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના એક સેન્ટરમાં ધો.૧૨ના એકાઉન્ટના પેપરમાં માસ કોપી કેસ થતો હોવાનું બોર્ડની સ્કવોડ ટીમે પકડી પાડયુ હતુ.આ સેન્ટરના સ્થળ સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવામા આવી છે.
ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ દિવસે ધો.૧૦માં ભાષાનું પેપર હતુ.જેમાં ગુજરાત બોર્ડના કોર્સમાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી સહિત અન્ય તમામ પ્રથમ ભાષાના પેપરો તથા એનસીઈઆરટી કોર્સના એનસીઈઆરટી કોર્સમાં પણ અંગ્રેજી સહિતના તમામ પ્રથમ ભાષાના પેપરો એકંદરે સરળ રહ્યા હતા.વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતી-હિન્દીનું પેપર સમય કરતા પણ વહેલુ પૂર્ણ થઈ ગયુ હતુ અને ખૂબ જ સરળ હતું.આ ઉપરાંત ધો.૧૨ સાયન્સમાં બપોરના સેશનમાં ફિઝિક્સ વિષયની પરીક્ષા હતી.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ એકંદરે પેપર સરળ રહ્યુ હતું.
જો કે કેટલાક વિદ્યાર્થીઓને એકથી બે પ્રશ્નો થોડા અટપટા અને શબ્દોની ભૂલ વાળા લાગ્યા હતા.કેટલાક વિદ્યાર્થીઓનું કહેવુ છે કે થીયરીના પ્રશ્નો એમસીક્યુ બહારના હતા અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમામ પ્રશ્નો ન હતા.પરંતુ એમસીક્યુ મોટા ભાગે ટેક્સબુક આધારીત જ હતા.સરેરાશ પેપર મધ્યમથી સરળ કહી શકાય તેવુ રહ્યુ હતુ.જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં બપોરના સેશનમાં એકાઉન્ટ વિષયનું પેપર હતુ.જે પણ એકંદરે સરળ રહ્યુ હતું.આમ આજના પ્રથમ દિવસના ધો.૧૦-૧૨ના તમામ પેપરો એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ જણાયા હતા.