સરકારે નિયમ બદલ્યો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મહત્તમ 65 વર્ષની વય સુધી પદ પર રહી શકશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) મહત્તમ 65 વર્ષની વય સુધી પોતાના પદ પર રહી શકે છે. સુરક્ષા મંત્રાલયે નેવી, એરફોર્સ અને આર્મીના સર્વિસ રૂલમાં આ ફેરફાર કર્યો છે. પહેલાના નિયમ અનુસાર 62 વર્ષ સુધી કે ત્રણ વર્ષના કાર્યકાળ (બંનેમાંથી જે પહેલા હોય) ત્યાં સુધી પોતાના પદ પર રહી શકતા હતા. કોઇપણ સેના પ્રમુખને સીડીએસ બનવામાં વય મર્યાદાનો નિયમ નડે નહીં તે માટે સુરક્ષા મંત્રાયલે સર્વિસેસના નિયમમાં સુધારો કર્યો છે.
સીડીએસનો કાર્યકાળ કેટલો હશે, તેના વિશે મંત્રાલયે હાલ કોઇ માહિતી આપી નથી. માનવામાં આવી રહ્યુ છે કે આર્મી ચીફ બિપિન રાવત દેશના પ્રથમ સીડીએસ બની શકે છે અને આ અંગે મંગળવારે જાહેરાત કરવામાં આવશે.
પદ છોડ્યા બાદ સરકારી અને ખાનગી પદ પર નહીં રહી શકે સીડીએસ
કેબિનેટ કમિટીએ મંગળવારે સીડીએસના પદને મંજૂરી આપી હતી. સીડીએસ સુરક્ષા મંત્રાલય માટે મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરશે. સીડીએસ પોતાનું પદ છોડ્યા બાદ કોઇપણ સરકારી પદ પર નહીં રહી શકે. પદ છોડ્યાના પાંચ વર્ષ સુધી તેઓ પૂર્વ મંજૂરી વિના ખાનગી પદ પર પણ નહીં રહી શકે. સીડીએસનું પદ 4 સ્ટાર જનરલ બરાબર હશે.

ચીફ ઑફ સ્ટાફ કમિટીનાં સ્થાયી અધ્યક્ષ સ્વરૂપે તેઓ નીચેની કામગીરીઓ કરશે

તેઓ સેનાની ત્રણે પાંખની સેવાઓ કરવા વહીવટી કાર્યો પર નજર રાખશે. ત્રણ સેવાઓ સાથે સંબંધિત એજન્સીઓ, સંસ્થાઓ અને સાયબર તથા સ્પેસ સાથે સંબંધિત કાર્યોની કમાન ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના હાથમાં હશે.
સીડીએસ સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતા ધરાવતી રક્ષા અધિગ્રહણ પરિષદ અને એનએસએની અધ્યક્ષતા ધરાવતી સંરક્ષણ આયોજન સમિતિના સભ્ય હશે.
પરમાણુ કમાન સત્તામંડળના સૈન્ય સલાહકાર સ્વરૂપે કામ કરશે.
પ્રથમ સીડીએસનો હોદ્દો સંભાળ્યા પછી ત્રણ વર્ષની અંદર પરિવહન, માલ પરિવહન, તાલીમ, સહાયક સેવાઓ, સંચાર, સુધારો-વધારો અને જાળવણીમાં સંયુક્તતા સુનિશ્ચિત કરશે.
માળખાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરશે અને ત્રણએ સેવાઓ વચ્ચે સંયુક્તતા મારફતે એને તર્કસંગત બનાવશે.
એકીકૃત ક્ષમતા વિકાસ યોજના (આઈસીડીપી) પછી આગળનાં પગલા સ્વરૂપે પંચવર્ષીય સંરક્ષણ મૂડીગત સામાન ખરીદી યોજના (ડીસીએપી) અને બે વર્ષીય સતત વાર્ષિક અધિગ્રહણ યોજનાઓ (એએપી)નો અમલ કરશે.
અનુમાનિત બજેટને આધારે મૂડીગત સામાનની ખરીદીના પ્રસ્તાવોને આંતર-સેવા પ્રાથમિકતા આપશે.
બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરીને સશસ્ત્ર દળોની લડાયક ક્ષમતા વધારવા માટે ત્રણે સેવાઓના કામકાજમાં સુધારાને લાગુ કરશે.