સંસદ ભવનની સાથે સાથે નવુ કેન્દ્રીય સચિવાલય અને વડાપ્રધાનનુ નવુ નિવાસસ્થાન પણ બનાવવાનો પ્રસ્તાવ આ યોજનામાં સામેલ છે. આ માટે રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર વિસ્તારમાં 100 એકરથી વધારે જમીનનુ માર્કિંગ કરવામાં આવ્યુ છે.
આ જમીનને સાત પ્લોટમાં વહેંચીને યોજનાને આગળ ધપાવવામાં આવશે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ માટેનુ જાહેરનામુ બહાર પાડીને લોકો પાસેથી 30 દિવસની અંદર સૂચનો મંગાવ્યા છે.
સરકારના શહેરી વિકાસ મંત્રાલયે યોજનાની ડિઝાઈન માટે ગુજરાતની જ એક આર્કિટેક્ટ કન્સલટન્સી કંપનીને પસંદ કરી છે. યોજનાન ભાગરૂપે 9.5 એકર જમીન નવુ સંસદ ભવન બનાવવા માટે, 76 એકર જમીન કેન્દ્રીય સચિવાલય માટે અને 15 એકર જમીન આવાસ યોજના માટે ફાળવવામાં આવશે.
હાલનુ સંસદ ભવન, પ્રમુખ મંત્રાલયો સાથે જોડાયેલી ઈમારતો તેમજ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકની ઈમારતોને યથાવત રખાશે.
સરકારનુ કહેવુ છે કે, બદલાતા સમયની સાથે સંસદ ભવનની હાલની ઈમારત જરૂરિયાતો પુરી કરવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. નવા સંસદ ભવનનુ નિર્માણ હાલના સંસદ ભવનની સામે જ કરવામાં આવશે.
હાલમાં પીએમનુ નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર છે પણ નવી યોજનાના ભાગરૂપે હાલમાં જ્યાં વડાપ્રધાનની ઓફિસ છે તેની નજીકમાં જ નવુ નિવાસ સ્થાન બનાવાશે.

